બાબરાના ચમારડી ગામમાં એક સાથે મંદિર સહિત નવ સ્થળો પર તસ્કરો ત્રાટક્યા હતા. બહુચર માતાજીના મંદિર સહિત નવ સ્થળો પર તસ્કરોએ ખાખા ખોળા કર્યા હતા.
ગ્રામ પંચાયતની રવિવારે ચૂંટણી યોજાવાની છે ત્યારે પોલીસ ચૂંટણીમાં વ્યસ્ત હોઇ તેનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ચમારડી ગામમાં તરખાટ મચાવ્યો હતો. બાબરાના ચમારડી ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલા નવ જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જોકે, તસ્કરોને કઇ હાથ લાગ્યુ નહતુ. એક સાથે નવ સ્થળો પર ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
તસ્કરોએ ઘરમાં માલ સામાનને શોધવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, તેમણે કોઇ રોકડ કે દાગીના હાથ લાગ્યા નહતા. જ્યારે મકાન માલિક ઘરે આવ્યા ત્યારે તેમને ચોરી થયાની જાણ થઇ હતી અને ઘરનો સર સામાન વેર વિખેર પડ્યો હતો. આ જોઇને ઘરના લોકોએ બુમરાણ મચાવી હતી. જેમની બુમો પાડીને અન્ય ઘરના લોકો પણ બહાર આવી ગયા હતા અને પોતાના ઘરમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. ઘરમાંથી તસ્કરોને કોઇ વસ્તુ હાથ ના લાગતા અંતે તેઓ બહુચર માતાના મંદિરમાં ત્રાટક્યા હતા.
બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે આ મામલે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાબરા તાલુકામાં છેલ્લા છ મહિનામાં ચોરીના બનાવો વધ્યા છે જેને કારણે સાવચેત થઇને ગ્રામજનો પણ મકાનમાં રોકડ કે ઝવેરાત જેવી વસ્તુ રાખતા નથી. બાબરા તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે.