(જી.એન.એસ) તા. 10
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં આશરે સ્વ મહિના પહેલા સરદારનગર વિસ્તારમાં થયેલ એક યુવકની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીને ઝડપી પાડયા છે.
યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી હસમુખ ઉર્ફે ભરત ખટીક, નાસીર હુસેન ઉર્ફે મામા શેખ, દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહ અને સુનિલ ઉર્ફે શિવા કોરીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો 25 ફેબ્રુઆરીના રોજ મૃતક 23 વર્ષના જગરામ પાટીલ નામના યુવકને અજાણ્યા શખ્સોએ લાકડીઓથી માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ શંકાસ્પદ મોત મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બાતમીના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હસમુખ ઉર્ફે ભરતનો મોબાઈલ મૃતક જગરામએ છીનવાનો પ્રયત્ન કરતા તેને લાકડીઓથી ફટકા મારવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
પકડાયેલા ચારે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી બુટલેગર હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન અને મારામારીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તેઓ વિરુદ્ધ પાસા સુધીની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આ આરોપીઓ મૃતકને મોબાઈલની ચોરી કરવા અદાવતમાં માર મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ચારેય આરોપીની ધરપકડ કરીને સરદાર નગર પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે. જ્યાં પોલીસ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરશે.
પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે મૃતક જગરામ પાટીલ નરોડા રેલવે સ્ટેશન તરફથી મેઈન રોડ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન આરોપી ભરત વોશરૂમ માટે ગયો હતો. મૃતક જગરામને અંધારામાં દેખાતું ન હતું, તેવા સંજોગોમાં ત્યાં હાજર આરોપી ભરતે મોબાઈલથી ફ્લેશ લાઈટ ચાલુ કરતા મૃતકે મોબાઈલ છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપી ભરતે મૃતકને પકડીને અન્ય તેના મિત્રોને બોલાવીને લાકડીઓ અને મુક્કાઓથી માર માર્યો હતો. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.