હારીજ તાલુકાના રોડા ગામનો યુવક અમદાવાદથી બાઈક પર વતન આવતાં ચાણસ્માના ધિણોજથી મહેસાણા વચ્ચે કારની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હારીજ તાલુકાના રોડા ગામના શંકરભાઈ ખેમાભાઈ મકવાણા અમદાવાદમાં પરિવાર સાથે રહી ખાનગી નોકરી કરે છે. તેમનો નાનો દીકરો વિશાલ રવિવારે બાઈક લઈને વતન રોડા ગામેે માતાજીના દર્શન કરવા અને દાદીને મળવા માટે નીકળ્યો હતો.
તે ઘરે પહોંચ્યો કે નહીં તે જાણવા માટે શંકરભાઈ મકવાણાએ તેના મોબાઇલ ઉપર ફોન કરતા અજાણ્યા વ્યક્તિએ ઉપાડ્યો હતો અને વિશાલને અકસ્માત થયાની જાણકારી આપી હતી. શંકરભાઈએ તેમના બનેવી ડાહ્યાભાઈ મકવાણાને ઘટનાસ્થળે મોકલી ઇજાગ્રસ્ત વિશાલને મહેસાણા લાયન્સ હોસ્પિટલ મોકલ્યો હતો.
શંકરભાઈ પણ બીજા દીકરા સાથે આવી વિશાલને અમદાવાદ સિવિલમાં લઇ ગયા હતા. જ્યાં સોમવારે સાંજે સારવાર દરમિયાન મોત થયું હતું.વિશાલને માથાના પાછળના ભાગે ઇજાઓ થઇ હતી. જમણો હાથ અને જમણો પગ ભાગી ગયા હતા. આ અંગે શંકરભાઈ મકવાણાએ ચાણસ્મા પોલીસ મથકે અકસ્માત બાદ ગાડી મુકીને ભાગી ગયેલા વેગેનાર ગાડી GJ-15-PP-6310ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.