સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી, જેમાં આચારસંહિતાના ઉલ્લંઘનના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. મામલો 2014નો છે. હાઈકોર્ટે કેજરીવાલની આરોપ મુક્ત કરવાની અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે જે ભાજપને વોટ આપશે, એને ભગવાન પણ માફ નહીં કરે.
આ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 હેઠળ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ જ કેસમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે સુલતાનપુર સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખતા કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે જે લોકો ‘ખુદા’માં વિશ્વાસ રાખે છે, જો તેઓ ભાજપને મત આપે છે, તો ‘ખુદા’ તેમને માફ નહીં કરે.
સોમવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરથ્નાની ડબલ બેન્ચે આ મામલાની સુનાવણી કરી અને હવે મામલાને ત્રણ સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
‘આવા શબ્દનું ઉચ્ચારણ યોગ્ય નથી’
અગાઉ હાઈકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે કહ્યું હતું કે એવું લાગે છે કે કેજરીવાલ ‘ખુદા’ના નામ પર મતદારોને એ સારી રીતે જાણવા છતાં પણ ધમકાવી રહ્યા છે કે જો તેઓ ‘ખુદા’ શબ્દનો ઉપયોગ કરશે તો અલગ-અલગ ધર્મના મતદાતાઓના કેટલાક જૂથ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એક વ્યક્તિ માટે, જે એક રાજ્યના મુખ્યમંત્રી છે, કોઈ પણ આવા વાક્ય કે શબ્દનું ઉચ્ચારણ કરવું યોગ્ય નથી જેનો કોઈ છુપાયેલો અર્થ હોય.
કેજરીવાલે સુલતાનપુરમાં કુમાર વિશ્વાસના સમર્થનમાં કરી હતી સભા
વાસ્તવમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુલ્તાનપુર સેશન્સ કોર્ટના આદેશ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ પોતાને આરોપ મુક્ત કરવા માટે અરજી કરી હતી. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણે વિગતવાર સુનાવણી બાદ તેને ફગાવી દીધી હતી. આરોપ એવો હતો કે 2014માં સુલતાનપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ માટે પ્રચાર કરતી વખતે કેજરીવાલે આવા કેટલાય શબ્દસમૂહો બોલીને ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. એવો પણ આરોપ છે કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણ પણ આપ્યું હતું. આ પછી પોલીસે અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ સિવાય અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો હતો.