રક્ષા મંત્રી રાજનાથ સિંહ માલદીવ પહોંચી ગયા છે. તેઓ અહીં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે માલદીવ સાથે બેઠક કરશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓને જોતા રાજનાથ સિંહની માલદીવની મુલાકાત ભારતીય ક્ષેત્રમાં ભારતની રણનીતિના ભાગરૂપે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ક્યારેક મીઠા તો ક્યારેક ખાટા રહ્યા છે. એટલે કે જ્યારે પણ માલદીવ સાથે ભારતના સંબંધો અસહજ રહ્યા, તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક ચીનની ભૂમિકા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેનું વધતું વર્ચસ્વ છે. જોકે માલદીવ સાથે ભારતના પરંપરાગત સંબંધો રહ્યા છે. આવી સ્થિતિમાં રાજનાથ સિંહની માલદીવની મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે માલદીવની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ માલદીવના રક્ષા મંત્રી મારિયા અહેમદ દીદી અને વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેઓ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને પણ મળશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચર્ચામાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોના સમગ્ર પરિદ્રશ્યની સમીક્ષા કરવામાં આવશે.
રાજનાથ સિંહ માલદીવને આ ખાસ ભેટ આપશે
આ દરમિયાન ભારત માલદીવને એક હાઇ સ્પીડ પેટ્રોલ વેસલ અને એક નાનું જહાજ સોંપશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ માલદીવમાં ચાલી રહેલા પ્રોજેક્ટના સ્થળોની મુલાકાત લેશે અને ભારતીય સમુદાયને પણ મળશે.
ભારત અને માલદીવ એકબીજાને પ્રાથમિકતા આપે છે
ભારત અને માલદીવ દરિયાઈ સુરક્ષા, આતંકવાદ, કટ્ટરવાદ, ચાંચિયાગીરી, દાણચોરી, સંગઠિત અપરાધ અને કુદરતી આફતો સહિતના સામાન્ય પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રના તમામ દેશોની સુરક્ષા અને વિકાસ માટે ભારતનો ‘નેબરહુડ ફર્સ્ટ’ અભિગમ અને માલદીવની ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ક્ષમતાઓના સહિયારા વિકાસને સક્ષમ બનાવશે.
માલદીવના તખ્તાપલટ વખતે ભારતે સહકાર આપ્યો હતો
માલદીવ એ મુખ્ય ભૂમિ ભારતના દક્ષિણપશ્ચિમ કિનારે હિંદ મહાસાગરમાં ટાપુઓથી બનેલો દેશ છે. આ દ્વીપસમૂહમાં કુલ 1192 ટાપુઓ છે, જેમાંથી 200 ટાપુઓ પર લોકો વસે છે. માલદીવ સાથે ભારતના સદીઓ જૂના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. જ્યારે પણ આ દ્વીપીય દેશ પર કોઈ સંકટ આવે છે, ત્યારે ભારત કોઈપણ વિલંબ કર્યા વિના મદદ કરવા માટે પ્રથમ રહ્યું છે. ઉદાહરણ તરીકે, જ્યારે માલદીવમાં 1988માં તખ્તાપલટનો પ્રયાસ થયો હતો, ત્યારે તેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો.