પોરબંદર વર્તુ કચેરી હેઠળ વીજ ચોરીને પકડવા માટે અલગ અલગ નવતર પ્રયોગો હાથ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ પોરબંદર પીજીવીસીએલે પથ્થરની ખાણો તેમજ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં વીજ ચોરી પકડવા માટે સહેલાઇથી પહોંચી ન શકાય તેવા હેતુથી ડ્રોન કેમેરાની મદદથી વીડિયો શૂટીંગ કરી વીજ ચોરી પકડવા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.
પોરબંદર પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૮ કરોડની વીજ ચોરી ઝડપી હતી. વર્તુ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ વર્ષ : ર૦ર૧-રર દરમિયાન રહેણાંક હેતુના ૪૪૬રપ વીજ જોડાણો, વાણિજ્ય હેતુના ૩૧૦૮ વીજ જોડાણો, ઔદ્યોગીક હેતુના ૩ર૩ વીજ જોડાણો તથા ખેતીવાડી પ૦૧૪ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાં રહેણાંક હેતુના ૬૧પ૩ વીજજોડાણો, વાણિજ્ય હેતુના ૩૯ર વીજ જોડાણોમાં, ઔદ્યોગીક હેતુના ૬ વીજ જોડાણો તથા ખેતીવાડીના ૭૩૬ વીજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતા ૮૦૩.૦૬ લાખના દંડની પૂરવણી બીલ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવ્યા હતા. તાજેતરમાં જ માધવપુરના બળેજ ગામે પીજીવીસીએલની વિઝીલન્સ સ્ક્વોડે એક દરોડામાં એક વ્યક્તિએ પથ્થરની ખાણમાં પોતાનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર પીજીવીસીએલ નેટવર્કમાં સીધુ જોડીને ખનન પ્રવૃત્તિ માટે ગેરકાયદે વીજચોરી કરતા રંગે હાથે પકડી પાડ્યો હતો. આ વીજચોરીના કારણે તેને ૪૦ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. ત્યારે પોરબંદર વર્તુ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ, ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પથ્થરની ખાણો તેમજ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં વીજ ચોરી પકડવા માટે સહેલાઇથી પહોંચી શકાય તેમ ન હોય તેવા વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી વીડિયો શૂટીંગ કરીને વીજ ચોરી પકડવા માટેનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેથી આવા અંતરિયાળ વિસ્તરામાં થતી વીજ ચોરીને ડામી શકાય. હાલમાં જ પીજીવીસીએલ ભૂજ વર્તુ કચેરી હેઠળના આદિપુરા ખાતે ૧૬ માર્ચ-ર૦રરના રોજ ડ્રોન કેમેરાની મદદથી મીઠાના અગરોમાં ચેકીંગ હાથ ધરીને વીજ ચોરી પકડેલી હતી તેમજ રાજકોટ શહેરના અંતરિયાળ દુર્ગંમ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી વીજચોરી ઝડપેલ હોય તે અનુસંધાને અને ઉપલી કચેરીની સૂચના મુજબ પોરબંદર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ ચોરી ડામવા માટે ડ્રોન કેમેરાની મદદથી વીજ ચોરી પકડવાની કવાયત હાથ ધરી હતી.
