ઓલપાડ તાલુકાના માધર ગામની સીમના ખેતરમાં પિયત માટે શેઢા પર બાંધેલ પાણીની કુંડીમાં એક શેરડી કાપણી માટે આવેલ શ્રમજીવી પરિવારની માસુમ બાળકી રમતા-રમતા પડી ગઈ હતી. બાળકી કુંડીમાંથી ખેતરમાં નીકળતા પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા તેનું કરૂણ મોત નીપજયું હતું. વિગત મુજબ મુળ મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા જિલ્લાના તરવાડા ગામના વતની અનિલ આબાભાઈ બોરસે(32) હાલ ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાં નંદની નહેરની બાજુમાં આવેલ પડાવમાં રહી સાયણ સુગરમાં શેરડી કાપણી મજુરી કામ કરે છે. ગત શુક્રવાર, તા.04 ના રોજ તેઓ માધર ગામની સીમમાં રમણભાઇ દુર્લભભાઇ પટેલના ખેતરમાં કામ કરતા હતા, ત્યારે બપોરે-1 થી 4.30 કલાકના સમય દરમિયાન તેમની 4 વર્ષની દીકરી આકાંક્ષા બોરસે ખેતરના શેઢા ઉપર રમી રહી હતી,તે સમયે શ્રમજીવી પરિવારની ધ્યાન બહાર માસુમ દીકરી આકાંક્ષા ખેતરના શેઢા ઉપર પિયત માટે બાંધેલ પાણીની કુંડીમાં પડી ગઈ હતી. જયારે આ પરિવારે દીકરીની શોધખોળ કરી ત્યારે તેણી શેઢા પરથી ખેતરમાં પિયત પાણી કરવા નાંખેલ પાણીની પાઇપ લાઈનના પ્લાસ્ટીકના ભુંગળાના પાણીમાં ફસાઈ ગયેલ અને મૃત હાલતમાં મળી આવી હતી.આ મામલે મૃતક દીકરીના શ્રમજીવી પિતા અનિલ આબાભાઈ બોરસેએ ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.જેના પગલે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
