



રાજ્ય સરકારના સહયોગથી એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઇમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરીથી સુરતથી ઉડ્ડયન મંત્રીના હસ્તે સુરતથી અમરેલી હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
આંતરરાજ્ય હવાઇ સેવા પુરી પાડનાર સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા આગામી 1 જાન્યુઆરી 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી એમ ચાર સેક્ટર પર દૈનિક ફ્લાઇટ શરૂ કરશે.
સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં મુસાફરી પૂર્ણ થશે. આ એરલાઇન્સનો તમામ વર્ગના લોકો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એક સમાન રૂપિયા 1999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે. નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારંભમાં મેયર હેમાલી બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડિરેક્ટર શ્રીમતી અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.