સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરનાં જૂના પાદરા રોડ પર આવેલી કોર્ટમાં ફેમિલી કોર્ટમાં 47 વર્ષિય રમેશભાઇ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં કોર્ટ પરિષરમાં ખળભળાટ મચ્યો છે. ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમ્યાન રમેશભાઇએ ઝેરી દવા પી લઇ જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા ઉત્તેજના વ્યાપી હતી. બનાવને પગલે આસપાસનાં લોકો દોડતા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ થતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. રમેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. સમગ્ર મામલે તપાસ કરતા પી.એસ.આઇ. મહેન્દ્ર ગામીતે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, હાલ કોર્ટમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ કરનાર સારવાર હેઠળ છે. તેઓ મજુરી કામ કરે છે. 2/58 નંબરની કોર્ટમાં આ ઘટના ઘટી છે. ફેમીલી કોર્ટમાં બીજી પત્ની સાથે ભરણપોષણનો કેસ ચાલતો હતો. ભરણપોષણના પૈસા નહિ આપી શકવાને કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ આ માલે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોર્ટ પરિષરમાં એક વ્યક્તિએ પોતાની જાતને બાળીને જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. જ્યારે આ બીજો બનાવ કોર્ટમાં બનતા ચર્ચાનો વિષય બન્યો છે.