શહેરમાં ખુલ્લી અથવાતો અધકચરી રીતે મેઇન્ટેન કરવામાં આવતી વરસાદી કાંસ લોકો અને પશુઓ માટે જોખમ ઉભુ કરી રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ગતરોજ મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં અંધારામાં ચાલતો જતો સિક્યુરીટી ગાર્ડ ખુલ્લી વરસાદી કાંસમાં ખાબક્યો હતો. આ અંગેની જાણ થતા ફાયરના જવાનોએ 10 ફૂટ ઉંડી કાંસમાંથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિક્યુરીટી ગાર્ડનો બચાવ કર્યો હતો. ઘટનાના 24 કલાકમાં વરસાદી કાંસમાં પશુ પડી જવાની ઘટના સામે આવી છે. છેલ્લા 2 દિવસથી વરસાદી કાંસમાં ખાબકવાની ઘટનાઓ સામે આવતા તંત્રની કામગીરીને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આજની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા રોડ પર આવેલા રૂક્ષમણી પાર્ટી પ્લોટ નજીક આવેલી વરસાદી કાંસનું ખુલ્લુ છે. અહિં આજે સવારે પસાર થતી વેળાએ ગાય ઢાંકણામાંથી બચી નહિ શકતા કાંસમાં ખાબકી હતી. કાંસમાંથી બહાર નિકળવાનો કોઇ રસ્તો નહિ જણાતા ગાયે બુમો પાડવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પાસેથી પસાર થતા ટ્યુશન જતા યુવકનું ધ્યાન ગાય પર પડ્યું હતું. તેણે તાત્કાલિક ફાયર વિભાગને આ અંગેની જાણ કરી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. ફાયરના લાશ્કરોની કામગીરી નિહાળવા માટે લોકો એકત્ર થઇ ગયા હતા. મહા મહેનતે ફાયરના લાશ્કરોએ ગાયને બહાર કાઢી હતી. અને તેને મુક્ત કરી દીધી હતી. ફાયર સુત્રના જણાવ્યા પ્રમાણે, કાંસનું ઢાંકણું તુટેલી હાલતમાં હતું જેથી ગાય અંદર ખાબકી હતી. આ અંગેની જાણ થતા પાલિકા તંત્ર દ્વારા ઢાંકણાને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદી કાંસમાં કોઇ ગરકાવ થાય તેવી સ્થિતીનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ યોગ્ય પગલા લેવા જોઇએ. છેલ્લા 2 દિવસની ઘટનાઓને જોતા એમ લાગે છે કે, જો કોઇ કાંસમાં જોરથી પટકાય તો ગંભીર ઇજાઓ પણ પહોંચી શકે છે. ત્યારે હવે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે તંત્ર શું કામગીરી હાથ ધરે છે તે જોવું રહ્યું.
previous post