શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા પતિ, પત્ની અને દીકરીના પરિવારમાં આ ઘટના બની હતી. દંપતી પૈકી પતિને વ્યસન કરીને પત્નીને મારઝૂડ કરવાની આદત હતી. ગઈકાલે દીકરી ટ્યુશન પરથી ઘેર પાછી ફરી ત્યારે તેના પિતા તેની માતાને મારઝૂડ કરીને ત્રાસ આપી રહ્યાં હતાં. દીકરી તેમને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારીને પાડી દીધી હતી. તે દરમિયાન આ ગૃહિણી અચાનક બેભાન થઇ જતાં, તેમના પતિ સ્થળ છોડીને ભાગી ગયાં હતાં. તે સમયે દીકરીએ ગભરાયા વગર અને સમયસૂચકતા દાખવીને અભયમને મદદ માટે કોલ કર્યો હતો. મદદ માટેના આ કોડને ત્વરિત પ્રતિભાવ આપતાં સંસ્થાની બાપોદ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતા અને બેભાન મહિલાને પાણી છાંટી ભાનમાં લાવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. જો કે તે પછી પણ મહિલા ભાનમાં ન આવતાં ટીમે તાત્કાલિક 108 ને મદદ માટે બોલાવી હતી. અને આ મૂર્છિત મહિલાને હોસ્પિટલમાં ખસેડી સારવાર ચાલુ કરાવી હતી. સમયસર મળેલી આ મદદ અને સારવારને પગલે આ મહિલાની જીવન રક્ષા થઈ છે અને હાલમાં તેમની તબિયત સુધારા પર છે. અભયમ પ્રવક્તાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની બે સંસ્થાઓ 181 અને 108ની ત્વરિત મદદ અને દીકરીની સૂઝબૂઝ અને જાણકારી આ ઘટનામાં જીવન રક્ષક બની છે. દરેક પરિવારમાં બાળકોને આ બંને સંસ્થાઓની સંકટ સમયે મદદ લેવાની જાણકારી આપવામાં આવે તો કટોકટીમાં સારું પરિણામ મળે એ ઘટનાનો બોધપાઠ છે.