જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા ના માછરડા ગામમાં રહેતા પિતા-પુત્ર અને બહેન ઉપર બનેવીએ જીવલેણ હુમલો કર્યો હતો. જેથી ત્રણેયને ઈજા પહોંચતા તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં પુત્રનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. તેમજ હુમલો કરનાર યુવકના સસરા શક્તિસિંહ જાડેજાની હાલત ગંભીર હોવાનું જણાઇ આવ્યું છે. જયારે તેની પત્ની તૃપ્તિબા ઝાલાને પણ બંને હાથે ગંભીર ઇજા પહોંચી છે. સાળો લોહી-લુહાણ હાલતમાં ઢરી પડ્યો કાલાવડના માછરડા ગામના તૃપ્તિબાના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધા તાલુકાના ગંજેડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલા સાથે થયા હતા. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલતો હોવાને કારણે પત્ની પીયર ચાલી ગઈ હતી. આ દરમિયાન પતિ નરેન્દ્રસિંહ ઝાલાએ વહેલી સવારે માછરડા ગામે પહોંચી જઈ સાળો ઈન્દ્રજીતસિંહ શક્તિસિંહ જાડેજા ઉપર છરીના આડેધડ ઘા જીકી હુમલો કર્યો હતો. જેથી સાળો લોહી લુહાણ હાલતમાં ઢરી પડ્યો હતો. તેમજ સસરા શક્તિસિંહ જાડેજા અને યુવકની પત્ની તૃપ્તિબા ઝાલા વચ્ચે પડતા તેઓને પણ ગંભીર ઈજા પહોંચી છે. જેથી તમામને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યા સારવાર દરિમયાન ઈન્દ્રજીતસિંહ શક્તિસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેને લઈ નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ સમગ્ર ઘટનાની જાણ થતા કાલાવડ પોલીસ અને LCB સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ બનાવની વિગત મેળવી આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.
