મધ્યપ્રદેશથી અમદાવાદ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકને તેની જ બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ અજાણ્યા પેસેન્જરોએ મારામારી કરતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે . બસ અધવચ્ચે રસ્તામાં બંધ પડી જતાં મુસાફરોએ પરત ભાડુ માંગતાં ટ્રાવેલ્સના ચાલક અને પેસેન્જરો વચ્ચેમાથાકૂટ ચાલતી હતી અને આ દરમિયાન ચાલકને ગડદાપાટુનો મારમારી બસને નુકશાન પહોંચાડ્યું છે . અમદાવાદ – ઈન્દોર હાઈવે પર પીઠાઇ ટોલ પ્લાઝાની આગળ બનાવ બનતાં ટ્રાવેલ્સના ચાલકે આ અંગે કઠલાલ પોલીસ મથકે આ ત્રણ અજાણ્યા પેસેન્જરો સામે ફરિયાદ નોંધાવી છે . મધ્યપ્રદેશના ગોહદ તાલુકાના બૈડફરી ગામે રહેતા રાધેશ્યામ રતનસિંહ નાયક પોતે રામસેરુ ખાતે આવેલ એક ટ્રાવેલ્સમાં વાહન ચાલક તરીકેની ફરજ બજાવે છે . ગત 18 મી ડીસેમ્બરના રોજ તેઓ આ ટ્રાવેલ્સની બસ નં . ( GJ – 01 – HT – 4603 ) મધ્યપ્રદેશના પૈંડથી અમદાવાદ પેસેન્જરોને લઈને આવતાં હતા . આ દરમિયાન મધરાતે રસ્તામાં કોઈ ટેકનીકલ ખામીના કારણે બસ બંધ પડી ગઈ હતી . જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો ટ્રાવેલ્સના ચાલક સામે ધૂઆ ૫ૂઆ થઈ ગયા હતા . અને રોષ પૂર્વક જણાવ્યું કે અમારા ભાડાના નાણાં અમને પરત આપો જોકે બસ થોડી વારમાં રીપેર થઈ જતાં વાત થાડે પડી હતી . આ બસ આગળ અમદાવાદ તરફ આવી રહી હતી . બીજા દિવસે સવારના સાડા દશ વાગ્યાની આસપાસ કઠલાલના અમદાવાદ – ઈન્દોર હાઈવે પર પીઠાઇ ટોલ પ્લાઝા પાસે એક પેસેન્જરે બસ રોકાવી હતી . જે બાદ તે અને અન્ય એક શખ્સ ઉતરી ગયો હતો . બસ થોડે આગળ જતાં એક કારે આ ટ્રાવેલ્સને આંતરી હતી અને અગાઉ ટ્રાવેલ્સમાં બેઠેલા બે અને કાર ચાલક મળી ત્રણ લોકોએ ટ્રાવેલ્સના ચાલક રાધેશ્યામ નાયકને ગડદાપાટુનો માર માર્યોહતો . આ ઉપરાંત ટ્રાવેલ્સ બસના ડ્રાઇવર અને કંડકટર સાઈડના કાચ તોડી નાખ્યા હતા . અને ધમકી આપી ફરાર થઈ ગયા હતા . આ અંગે ટ્રાવેલ્સના ચાલક રાધેશ્યામ નાયકે ઉપરોક્ત ત્રણેય અજાણ્યા શખ્સો સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે . પોલીસે આઈપીસી 323 , 427 , 506 ( 2 ) , 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .