“મમ્મી-પાપા, ભૈયા ઔર દીદી આપ મુઝે ફ્રી ફાયર ગેમ ખેલને નહીં દે રહે હો, ઇસલિયે મૈં ઘર સે એક હજાર રૂપિયા લે કે ઘર છોડકર જા રહા હૂ… “9 ડિસેમ્બરે વાપીના ડુંગરા ખાતે રહેતો અભિષેક ભગવાન યાદવ સ્કૂલ-બેગમાં આ પ્રકારનું લખાણ લખી ઘરથી ભાગી છૂટ્યો હતો, જે ગુરુવારે રાજસ્થાનના રાની રેલવે સ્ટેશને લોકોને ટ્રેન અંગે પૂછપરછ કરતા દેખાયો હતો, જેથી સ્ટેશનના પોઇન્ટ મેન કિશનારામે તેને બોલાવી પૂછપરછ કરતાં તે વાપીમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.
જે બાદ બાળકના સ્કૂલ-સંચાલક અને પરિવારજનો સાથે વીડિયો-કોલ પર વાત કરાવતાં તે 9મીએ ગુમ થયાનું જાણવા મળ્યું હતું, જે આધારે ખરાઈ કરી બાળકને તેનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. બાળકના પિતા ભગવાન યાદવએ વિગતો આપી હતી કે, અભિષેક 9 ડિસેમ્બરે સ્કૂલમાં અભ્યાસ કરવા નીકળ્યો હતો. મોડે સુધી પરત ન આવતાં તેની શોધખોળમાં સ્કૂલમાંથી તેમની બેગ મળી આવી હતી. જેમાંથી લેટર મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ ઓનલાઇન અભ્યાસ કરતાં કરતાં અભિષેકને ગેમ રમવાની ટેવ પડી ગઈ હતી. જે ભુલાવવા ઘણીવાર મોબાઇલમાંથી ગેમ ડિલિટ કરી દેવા છતાં તે માનતો નહોતો અને ગેમ ફરીથી ઇન્સ્ટોલ કરી રમવા લાગતો હતો. ગેમનો ચસ્કો એટલો લાગ્યો હતો કે તેનું વર્તન જ બદલાઈ ગયું હતું.