(જી.એન.એસ) તા.4
ગાંધીનગર,
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાહનની સબસીડી લોન માટે લાંચ લેતા 2 સરકારી કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઝડપી પાડ્યા છે. ઇન્ચાર્જ મદદનીશ કમિશનર અને પ્યુન લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ફરિયાદી પાસેથી 4 હજારથી વધુની લાંચ માંગવામાં આવી હતી.
આ માળે મળતી માહિતી અનુસાર, ફરીયાદીને વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ. 7.74 લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે સંપર્ક કરતા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પટાવાળા પ્રવિણભાઇ મણીલાલ શ્રીમાળીએ ફરિયાદીનું ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ. 4200/- ની લાંચની માંગણી કરી હતી. મૌલિક પટેલ અને પ્રવીણ શ્રીમાળી નામના 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારી બિલ્ડિંગની કચેરીમાં લાંચ માંગવામાં આવી હતી.
ગાંધીનગરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલના પટાવાળાએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના નાણાં સ્વીકર્યા હતા. આરોપી પટાવાળાએ સ્વીકારેલ નાણાં બાબતે આરોપી મૌલિક મહેન્દ્રભાઇ પટેલ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ (ઇન્ચાર્જ મદદનીશ કમિશનર) એ સહમતી દર્શાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા બન્ને આરોપીઓ પકડાઇ ગયા હતા. સમગ્ર મામલે ACB એ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિને ઉજાગર કરી છે. ACB દ્વારા આવા ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.