અમેરિકાની એક અદાલતે હત્યાના આરોપમાં એક મહિલાને ફાંસીની સજા ફટકારી છે. બાળકની લાલસામાં મહિલાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે ગર્ભવતી મહિલાને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેણે બાળકનું પેટ ફાડીને બહાર કાઢ્યું, જેનું બાદમાં મૃત્યુ થયું હતું. કોર્ટે કેસની સુનાવણી દરમિયાન આરોપી મહિલાનું નામ ‘રાક્ષસ’ પણ રાખ્યું હતું.
મળતી માહિતી મુજબ, 21 વર્ષની મહિલા સિમન્સ હેનકોનની હત્યા અમેરિકાના ન્યૂ બોસ્ટનમાં રહેતી ટાયલર રેના પાર્કરે કરી હતી. જ્યારે હત્યા થઈ ત્યારે હેનકોક ગર્ભવતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, પાર્કરે હેનકોનને મારવા માટે પહેલા માથા પર હથોડીથી પ્રહાર કર્યો અને બાદમાં છરી વડે તેનું પેટ કાપી નાખ્યું. 3 ઓક્ટોબરે આરોપી પાર્કરને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
100થી વધુ વખત કર્યા ચાકૂથી વાર
આરોપી મહિલાએ હેનકોનને મારવા માટે તેના માથા પર હથોડી વડે માર્યો હતો. ત્યાર બાદ તેણે તેના શરીર પર ઓછામાં ઓછા 100 વખત છરી વડે ઘા માર્યા. બાદમાં પેટ ફાડીને બાળકીને બહાર કાઢી તેનું અપહરણ કર્યું હતું. જો કે, થોડા સમય બાદ તેનું પણ મૃત્યુ થયું હતું.
પોતે ગર્ભવતી હોવાના સમાચાર ફેલાવ્યા હતા
મળતી માહિતી મુજબ, પાર્કરનું ગર્ભાશય ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવ્યું હતું, જેના કારણે તે માતા બની શકી નહોતી. તેને ડર હતો કે તેનો બોયફ્રેન્ડ તેને આ કારણે છોડી દેશે. આવી સ્થિતિમાં તેણે પોતાની પ્રેગ્નન્સીના ખોટા સમાચાર ફેલાવ્યા. તેણીએ પોતાને ગર્ભવતી દેખાડવા માટે નકલી સિલિકોનનો ઉપયોગ કર્યો હતો. જો કે, જ્યારે ડિલિવરીનો સમય આવ્યો ત્યારે તેણે બાળકની લાલસામાં એક મહિલાની હત્યા કરી નાખી.