ઓલપાડ તાલુકાના પરીયા ગામે એક હળપતિ શ્રમજવીએ પત્ની ઉપર ખોટો વહેમ રાખી મનદુઃખ થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ઓલપાડ તાલુકાના પરીયા ગામના કુવા ફળીયામાં વિજય પ્રવિણભાઇ રાઠોડ(28)શ્રમજીવી હળપતિ ખેત મજૂરી કરી પેટીયું રળતો હતો. વિજય રાઠોડની પત્ની પિન્ટુબેન રાઠોડે ઓલપાડ પોલીસને રાવ કરતા કહ્યું હતું કે, તેનો પતિ છેલ્લા પાંચેક દિવસથી શક કરતો હતો અને કહેતો હતો કે,તું બીજા છોકરા સાથે કેમ બોલે છે. એવો વહેમ રાખી તેની સાથે બોલાચાલી કરતો હતો. જેથી તેણે ગત શનિવાર,તા.૧૨ ના રોજ બપોરે ૧:૪૫ કલાકના સુમારે પોતે પોતાની જાતે રસોડામાં જઈ છત ઉપર લગાવેલ લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.જેથી તેને સારવાર માટે સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેનું ચાલુ સારવાર દરમ્યાન પ્રાણ પંખીડું ઉડી જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતકની પત્ની પિન્ટુબેને ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. ઓલપાડ પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
