બારડોલી ગ્રામ્ય વિસ્તારની વીજ કચેરી છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોને સિંચાઇ માટે અપાતાં પાવરમાં વધુ 2 કલાકનો કાપ મૂકી માત્ર 6 કલાક જ વીજ પ્રવાહ આપી ખેડૂતોને 35 ડીગ્રી આસપાસની ગરમીમાં ભર ઉનાળામાં સિંચાઇ માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ રજૂઆત કરતાં વીજ કચેરીના ડી.ઇ. જે.સી.પટેલે બે ફિકરાઈથી જણાવ્યુ કે ઉપરથી જ કહેવાયું છે 6 કલાક પાવર આપવાનો એટલે એમાં અમે કઈ કરી ન શકીએ. આ જવાબ સાંભળી ખેડૂતોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બારડોલી ગ્રામ્ય વીજ કચેરીના કાર્ય વિસ્તારમાં જ આવતા અલ્લું-બોરિયા વિસતારા ખેડૂતોને દિવસનું પાવરું રોટેશન બંધ કરી રાત્રી દરમ્યાન જ સિચાઈ માટે પાવર આપવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં બારડોલી વીજ કચેરીએ આવી ઉગ્ર રજૂઆત કરી હતી. જે ઘટનાને હજી ગણતરીના દિવસો વિત્યા છે, ત્યા હવે નાંદીડા વિસ્તારના ખેડૂતોએ 6 કલાક જ વીજ પાવર આપવામાં આવતો હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ પાવર ઓછો સમય માટે આપવા પાછળનું કારણ પણ ખેડૂતોને જણાવતા નથી. અને ઉપરથી મેસેજ હોવાથી 6 કલાક જ પાવર અપાય આવો જવાબ આપી ખેડૂતોને નારાજ કરી રહ્યા છે. ખેડૂતોએ મહામહેનતે પાક ધિરાણ લઈને ઉછેરેલા પાકમાં પોતાના આખા વર્ષના બજેટનું આયોજન કર્યું હોય છે, અને હાલ ગરમીની શરૂઆત થઈ છે. ત્યારે પાકમાં સિંચાઇ કરવી ખેડૂત માટે અનિવાર્ય છે. તેવા સંજોગોમાં વીજ કંપની પૂરતો વીજ પ્રવાહ ન આપે તો ખેડૂતોનો પાક સુકાવા સાથે જ મોટું આર્થિક નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે. અગાઉ મળતા 10 કલાકના પાવર સામે હાલ 8 કલાક પાવર આપવામાં આવી રહ્યો હતો. હવે 6 કલાક જ પાવર આપવામાં આવે છે. ખેડૂતોની આ સમસ્યાનું વહેલી તકે નિવારણ ન આવેતો ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. વીજ કંપનીના અધિકારી ખેડૂતોને પૂરતો પાવર આપે એવી ખેડૂતોની માંગણી કરી રહ્યા છે.
