અમરેલી જિલ્લામાં માર્કેટીંગ યાર્ડના ખુલ્લા બજારમાં મગફળીની બમ્પર આવક થઇ રહી છે. જિલ્લાના રાજુલા, અમરેલી, સાવરકુંડલા અને બાબરા યાર્ડમાં એક જ દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઇ છે.
યાર્ડમાં ખુલ્લા બજારમાં ટેકામાં મળતી કિંમતમાં જ ખરીદી થઇ રહી છે. જિલ્લામાં રૂપિયા 1110ના ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 18 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પણ 6 ટકા જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપી હતી. બાકીના તમામ ખેડૂતોએ ખુલ્લા બજારમાં મગફળી વેંચી દીધી હતી.
ખુલ્લા બજારમાં સારો ભાવ મળતો હોવાથી મોટા ભાગના ખેડૂતો ટેકાની ખરીદી કરતા ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું વધુ પસંદ કરે છે. અમરેલીમાં 1192, સાવરકુંડલામાં 650, બાબરામાં 300 અને રાજુલા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 80 ક્વિન્ટલ મગફળીની આવક થઇ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે ચાર હજાર જેટલી ગુણી મગફળી આવી હતી. જોકે, અમરેલી માર્કેટીંગ યાર્ડમાં રૂપિયા 1072 અને બાબરા માર્કેટ યાર્ડમાં રૂપિયા 1047નો સરેરાશ ખેડૂતોને ભાવ મળ્યો હતો.