સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ ઘટાડવા સામાજિક કાર્યકર્તાની રજુઆત વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. ત્યારે હવે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી હોય ચાર દરવાજા વિસ્તારમાં પતંગ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થઇ જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા સામાજિક કાર્યકર્તાએ ટ્રાફિક એસીપીને રજૂઆત કરી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભલે પતંગ બજાર શરૂ થયા હોય. પરંતુ, પતંગોના શોખીન ચાર દરવાજા વિસ્તારમાં ખરીદી માટે પહોંચતા હોય છે. હાલમાં બજારોમાં ગણતરીના દિવસો બાકી રહેતા પતંગો ઉપરાંત પીપુડા, રંગબેરંગી ટોપી, ગોગલ્સ, ચાઇનીસ રમકડાં, દેશી ગુબ્બારા સહિતની ચીજવસ્તુઓ વેચાણમાં આવી છે. ચાર દરવાજા વિસ્તારમાં પરંપરા મુજબ પતંગોની હરાજી પણ યોજાય છે . જેમાં શહેરના ખૂણે ખૂણામાંથી લોકો પતંગો ખરીદવા માટે ઉમટી પડે છે. જેથી ઉતરાયણ પર્વે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા ટ્રાફિક પોલીસ કર્મીઓની માંગ સાથે સામાજિક કાર્યકર્તા ફારૂકસોનીએ ટ્રાફિક એસીપીને રજૂઆત કરી છે.