પોલીસ તંત્રના વાર્ષિક મૂલ્યાંકન માટે દર વર્ષે રેન્જના વડા દ્વારા તાબાના જિલ્લાઓના પોલીસ દળનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS) નાઓ દ્વારા અમરેલી જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ હતું. જે અંતર્ગત ગુનાખોરી ડામવાની તેમજ કોરોના મહામારીને કાબુમાં રાખવાની પોલીસ તંત્રની કામગીરી અંગે મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું. વાર્ષિક ઇન્‍સ્પેક્શન દરમિયાન ભાવનગર રેન્જ વડા દ્વારા અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવેલ હતી.
ગુનાહિત કૃત્યો માટે સજા પામેલા કેદીઓને તથા ગુનામાં સંડોવાયેલી વ્યક્તિઓને નામદાર કોર્ટના આદેશ અનુસાર જેલમાં અટકાયતમાં રાખવામાં આવતા હોય છે. રાષ્ટ્ર કે સમાજના હિતને જોખમકારક કે હાનિકારક ગણાતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે જુદા જુદા અટકાયતી ધારાઓ હેઠળ આરોપીઓને નજરબંધ રાખવા માટે પણ જેલનો ઉપયોગ કરવામાં આવે છે, તેવા સંજોગોમાં જેલોની સુરક્ષા વ્યવસ્થા સુદઢ બને તે જરૂરી છે.
ભાવનગર રેન્જ વડા શ્રી અશોક કુમાર સાહેબ દ્વારા અમરેલી જિલ્લા જેલની વિઝીટ દરમિયાન નવતર પ્રયોગ હાથ ધરેલ હતો. રેન્જ વડાશ્રીએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભાવનગર રેન્જના ડ્રોન કેમેરાની મદદથી અમરેલી જિલ્લા જેલના પરિસરની ખુબ જ ઝીણવટભરી રીતે ચકાસણી કરેલ હતી અને જેલમાં કોઇ અસામાજિક પ્રવૃતિ થવાનો અવકાશ ન રહે, તે અંગે ખાત્રી કરેલ હતી.
ભાવનગર રેન્જ વડાએ અમરેલી પોલીસ અધિક્ષક તથા અન્ય પોલીસ અધિકારીઓને સાથે રાખી, જેલમાં રહેલ સી.સી.ટી.વી. કેમેરા સીસ્ટમ ચેક કરેલ હતી અને જેલમાં કોઇ પ્રતિબંધિત ચીજવસ્તુઓ દાખલ ન થાય તે માટે પુરતી તકેદારી રાખવા જિલ્લા જેલના અધિકારીને સુચના અને માર્ગદર્શન આપી, જેલની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરેલ હતી.