રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બરના એન્ડમાં વધુ ઠંડી અનુભવાય છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કહ્યુ કે, દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ પડશે. જેની અસર રાજ્યના વાતાવરણ પર થશે.
રાજ્યમાં પૂર્વ ગુજરાત, ઉત્તર-મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબ સાગરમાં ભેજ આવતા તેની અસર રાજ્યમાં થશે. 22 ડિસેમ્બરથી વાદળો છવાઇ જવાની શક્યતા છે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.