જમ્મુના માતા વેષ્ણોદેવી મંદિરમાં 31 ડિસેમ્બરની રાત્રે ભાગદોડની ઘટનામાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થવાના સમાચાર છે.
પોલીસ અનુસાર, ઘટના રાત્રે 2 વાગીને 45 મિનિટ પર બની હતી. આ ભાગદોડ ત્રિકુટા પહાડી પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. અધિકારીઓ અનુસાર નવા વર્ષની શરૂઆતના પ્રસંગે શ્રદ્ધાળુઓની ભારે ભીડ માતાના દર્શન કરવા પહોચી હતી. દર વર્ષે ન્યૂ યરના પ્રસંગે શ્રદ્ધાળુઓની ભારે ભીડ માતા વેષ્ણોદેવીના દર્શન કરવા આવે છે.
ઘાયલોને માતા વેષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 2 પક્ષમાં ઝઘડા બાદ આ ઘટના બની હતી જેમાં અત્યાર સુધી 12 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
તપાસ માટે કમિટીની રચના
દૂર્ઘટનાની તપાસ માટે તંત્રએ કમિટી પણ બનાવી છે. રાજ્યના ગૃહ સચિવના નેતૃત્વમાં હાઇ લેવલ તપાસ કમિટી બનાવવામાં આવી છે, જે માતા વેષ્ણોદેવી ભવન દૂર્ઘટનાની તપાસ કરશે.
આ સિવાય માતા વેષ્ણોદેવી શ્રાઇન બોર્ડે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે:
વેષ્ણોદેવી-હેલ્પલાઇન નંબર: 01991-234804
વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવાર માટે 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. ઉપરાજ્યપાલે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘાયલોને 2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.