મળતી માહિતી અનુસાર, ડભોઈ તાલુકાના સોખડા ગામે રહેતા દત્તુભાઈ ઘનશ્યામભાઈ બારોટ (ઉ.44 વર્ષ) સાઠોદ ખાતે હિર હોટલ ચલાવે છે અને તેમને સંતાનમાં બે દિકરાઓ છે. જે પૈકી મોટો દિકરો હર્ષ અવળી લતે ચડી જતા તેને સુધારવા માટે તેના પિતાએ ધાર્મીકતાનો આશરો લઈ વિધી કરાવવાનું વિચાર્યું હતું. જેથી તેમની હોટલે આવતા અટલભાઈ નરવતભાઈ તડવીને આ મામલે જાણ કરતા તેમને ગત ઓગસ્ટ માસમાં લક્ષ્મણભાઈ કાભઈભાઈ તડવી (રહે, નાગડોલ ડભોઈ)નો પરિચય દત્તુભાઈ સાથે કરાવ્યો હતો. દત્તુભાઈએ તેમના દિકરા વિશે લક્ષ્મણભાઈને વાત કરતા તેમને જણાવ્યું હતું કે, વિધી માટે રૂપિયા જોઈશે અને તેની વસ્તુઓ લાવવી પડશે, તથા તે વિધી કરવા સોખડા જવુ પડશે આમ કહી પહેલા લક્ષ્મણભાઈએ રૂ.1.60 લાખ લીધા હતા. આ બાદ તે વિધીમાં વિઘ્ન આવ્યું છે તેમ કહી બીજા રૂ.3.60 લાખ લીધા હતા. જો કે પૈસાના લોભી લક્ષ્મણભાઈ આટલાથી માન્યા ન હતા તેઓએ આ બાદ વિધીમાં થોડીક કસર રહી ગઈ છે તેમ કહી બીજા રૂ.4.20 લાખ લીધા હતા. અને વાતો કરી તે રૂપિયાથી ઉજ્જૈન ખાતેથી કોઈ જાદુઈ તેલ લાવશે તેમ જણાવ્યું હતું, તે તેલ લાવ્યા પણ હતા અને તેમાં તેમને વાંધો ઉઠાવી કહેલ કે આ બોટલ તુટેલી છે. આપણે બીજી બોટલ લાવી પડશે. જેથી લક્ષ્મણભાઈએ ફરી એકવાર રૂ.4.20 લાખ લીધા હતી. આ ઉપરાંત વિધીનો સામાન લેવા તેમને રૂ.3.60 લાખ લીધા હતા. આમ લક્ષ્મણભાઈએ કુલ રૂ.17.20 લાખ વિધીના નામે લીધા હતી. જેથી આની સામે દત્તુભાઈભાઈએ લક્ષ્મણભાઈને જણાવેલ કે, તમે અમારૂ કોઈ કામ કરેલ નથી જેથી તમે અમારા પૈસા પાછા આપી દો. ત્યારે લક્ષ્મણભાઈએ જણાવેલ કે મારા કપાસના પૈસા આવશે તો હું તમને આપી દઇશ તેમ કહી તેમની ગાડીને દત્તુભાઈની હોટલ સામે લોક મારી જતા રહ્યા હતા. આ સમગ્ર મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે લક્ષ્મણભાઈ વિરૂદ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.