ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. અમરેલી જિલ્લામાં 393 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. પ્રચાર પડઘમ શાંત થતા જ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતગણતરી 21 ડિસેમ્બરે હાથ ધરાશે.
અમરેલી જિલ્લાની 393 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને પ્રશાસન દ્વારા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 496 લોકેશન પર 833 જેટલા મતદાન બુથો પર મતદારો મતદાન કરશે. જીલ્લામાં 682781 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના ગામના લોક સેવકની પસંદગી કરશે.
અમરેલી જિલ્લામાં અમરેલીના 50 સ્થળો પર 90 બુથ પર મતદાન,વડિયા-કુકાવાવના 51 સ્થળો પર 92 બુથ પર મતદાન,લાઠીમાં 37 સ્થળો પર 57 બુથો પર મતદાન,બાબરામાં 40 સ્થળો પર 68 બુથો પર મતદાન,ધારીમાં 41 સ્થળો પર 69 બુથો પર મતદાન,ખાંભામાં 46 સ્થળો પર 76 બુથો,બગસરામાં 36 સ્થળો પર 50 બુથો પર મતદાન,સાવરકુંડલામાં 69 સ્થળો પર 111 મતદાન બુથો,લીલીયામાં 29 બુથો પર 48 બુથો,રાજુલામાં 61 સ્થળો પર 99 મતદાન બુથો,જાફરાબાદમાં 36 સ્થળો પર 63 બુથો પર મતદાન કરાશે.
અમરેલીમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક બહાર પોલીસનો ચુસ્ત પહેરો રહેશે. કોઇ અસામાજિક બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર સતર્ક છે.