(જી.એન.એસ) તા. 2
ડાંગ,
એક બાજુ રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ ડાંગમાં જિલ્લામાં કમોસમી વરસાદ ખબક્યો છે. ડાંગ જિલ્લામાં સવારથીજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યાર બાદ બપોર પછી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ડાંગમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જેમાં ડાંગના ચિંચલી, પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભરઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજીતરફ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યમાં ભર ઉનાળે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાળા-ડિબાંગ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે ડાંગ-આહવા તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉનાળામાં વરસાદ પડતાં ખેડૂતોના ખરીફ પાકમાં નુકસાની થવાની શકયતા વર્તાઈ રહી છે.
ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે ડાંગમાં આજે બુધવારે ચાર વાગ્યાના અસરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તેમજ ગિરિમથક સાપુતારા અને ચિંચલી સહિતના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.