(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
વિકસતી જાતિના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ લક્ષી અભિગમના પરિણામે આજે વિદેશમાં અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે. મહેસાણા, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિકસતી જાતિ કલ્યાણ હસ્તક કુલ ૪૬૫ વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. ૧૫ લાખ પેટે કુલ
રૂ. ૬૧ કરોડથી વધુની રકમ વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ચૂકવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું.
રાજ્ય મંત્રી શ્રી પરમારે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં કુલ ૨૯૭ અરજીઓ પૈકી ૨૨૪ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અંતર્ગત કુલ રૂ. ૨૭.૧૪ કરોડની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ ૨૮૪ પૈકી ૧૮૨ અરજી મંજૂર કરવામાં આવી છે તે હેઠળ રૂ. ૨૬.૫૭ કરોડની વિદેશ અભ્યાસ લોન સહાય અપાઇ છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં કુલ ૮૪ પૈકી ૫૯ અરજી મંજૂર કરી છે તે અંતર્ગત રૂ. ૭.૩૩ કરોડની વિદેશ અભ્યાસ લોન વિકસતી જાતિના વિદ્યાર્થીઓને સહાય પેટે આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૦૧માં આ યોજના હેઠળ રૂ.૦૫ લાખ, ત્યારબાદ વર્ષ ૨૦૦૭માં રૂ. ૧૦ લાખ તેમજ હાલમાં વર્ષ ૨૦૧૪ થી આ રકમ વધારીને રૂ.૧૫ લાખ કરવામાં આવી છે. આ રકમ હવે એક જ હપ્તામાં ચૂકવવામાં આવે છે તેમ,મંત્રીશ્રી પરમારે પેટા પ્રશ્નનો જવાબ આપતા ગૃહમાં ઉમેર્યું હતું.