મળતી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ભદારી ગામમાં રમેશભાઇ મેલાભાઈ વસાવાનું (ઉં.વર્ષ 35) ગામની સીમમાં સંયુક્ત કુટુંબની માલિકીનું ખેતર આવેલું છે. આ ખેતરમાં કપાસની કરેલી ખેતીની દેખરેખ રમેશ વસાવા કરે છે. રવિવારે બપોરે તે ખેતરમાં ખેત મજૂરી માટે ગયો હતો. અને ખેતીનું કામ કરી રહ્યો હતો. તે સમયે ખેતરમાં નીકળેલા ચિતોડ જાતિના સાપ તેના પગે વીંટળાઇ ગયો હતો. અને ઉપરાછાપરી બે દંશ માર્યા હતા. સાપ પ્રજાતીનો ચિત્તોડ રમેશના પગમાં બે દંશ મારી ભાગવા જતો હતો. તેજ વખતે રમેશે હિંમત રાખી સાપ પ્રજાતિના ચિત્તોડને પકડી લીધો હતો. અને જમીન ઉપર પછાડી તેને મારી નાંખ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ભત્રીજાને કરતા તેઓ ખેતરમાં દોડી ગયા હતા. બીજી તરફ સર્પ દંશની અસર થતા તેને સારવાર માટે પાદરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ રમેશનો ભત્રીજો મરેલા સાપ જાતીના ચિત્તોડને પ્લાસ્ટિકની કોથળીમાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. અને મરેલા સાપને તબીબને બતાવ્યો હતો. ફરજ પરના તબીબો અને નર્સિંગ સ્ટાફ તથા અન્ય દર્દીઓ તેમજ તેમના સગાઓ મરેલા સાપ સાથે લઈને આવેલા વ્યક્તિને જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. આ બનાવે હોસ્પિટલમાં ચકચાર જગાવી મુકી હતી. તબીબોએ સાપની જાતિના આધારે દર્દીની સારવાર હાથ ધરી હતી.