(જી.એન.એસ) તા. 16
ગાંધીનગર,
થોડા દિવસ અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તે પછી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે હવે ભારે વિવાદ બાદ આખરે આ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
આ મુદ્દે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ‘કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે‘.
સાથેજ આ મુદ્દા પર ભાજપ સાંસ્કૃતિક સેલે કહ્યું હતું કે, ‘આ કોઈ સરકારી કાર્યક્રમ ન હતો‘, જ્યારે આજે રવિવારે સરકારના પ્રવક્તા મંત્રી કહ્યું કે ‘આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું‘. જો કાર્યક્રમ સરકારી ન હતો તો પછી સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપવાની કેમ જરૂર પડી? એ પણ મોટો સવાલ છે.
આ સમગ્ર મામલે વિક્રમ ઠાકોરે શનિવારે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ‘ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.‘
વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઇવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે.‘