(જી.એન.એસ) તા. 16
વડોદરા,
શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલમાં સિક્યોરીટી માટે એક ખાનગી સંસ્થાને કામ આપવામાં આવેલું છે. એક કિસ્સો સામે આવ્યો હતો તેમાં ઇમરજન્સી વોર્ડમાં દર્દીના સગાને ટોકવા જતા તેમણે સિક્યોરીટી જવાન પર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં સિક્ટોરીયી જવાનો એકત્ર થયા છે. અને ત્યાર બાદ તેઓ રાવપુરા પોલીસ મથક પહોંચીને આ મામલે વધુ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. અગાઉ પણ એસએસજી હોસ્પિટલમાં હુમલાની ઘટનાઓ સામે આવી ચુકી છે.
જે સિક્યોરીટી પર હુમલો થયો હતો તેને આ મામલે જણાવ્યું હતું કે, ઇમરજન્સી વિભાગમાં બીજા માળે આવેલા MICU માં હું ફરજ બજાવું છું. મારી જોડે જે હિંસા કરી તેમની સામે કડક કાર્યવાહી થાય તેની અમારી માંગ છે. વોર્ડમાં મેં દર્દીના સગાને એટલું જ કહ્યું કે, તમે બુમાબુમ કરીને વાતો કરશો નહીં. ધીરે ધીરે વાતો કરો. બસ આટલું જ કહ્યું હતું. તેમણે મને કહ્યું કે, અમારૂ પેશન્ટ અંદર છે, બાદમાં તેમણે મને માર માર્યો છે. તેઓ એક ડઝન જેટલા લોકો હતા. તેઓ માર મારતા વખતે કહેતા હતા કે, તું બહાર નીકળ તને બતાવું છું, તને મારી નાંખીશ.
આ મામલે અન્ય સિક્યોરીટી જવાનોનું કહેવું છે કે, આ અંગે અમે હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી છે. તેઓ પણ અમારી સાથે છે. અને આ ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી થવી જ જોઇએ.