(જી.એન.એસ) તા. 4
ગાંધીનગર,
વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આજે ગુજરાત કુલ ૩૧,૪૮૨.૭૯ મેગાવોટ રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમે આવે છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં ક્લાઇમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી. રાજ્યમાં ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો તેમજ ભૌગોલિક પરિસ્થિતિને લીધે પવન ઊર્જા તેમજ સૌર ઊર્જાની વિપુલ તકો રહેલી છે. જેના પરિણામે રાજ્યમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ અંતર્ગત ૧૨,૪૭૩.૭૮ મેગાવોટ, સોલાર પાવર પ્રોજેક્ટથી ૧૬,૭૯૫.૭૭ મેગાવોટ, બાયોપાવર એટલે કે બાયો માસ અને વેસ્ટ ટુ એનર્જીથી ૧૧૬.૬૦ મેગાવોટ, સ્મોલ હાયડ્રો પાવરથી ૧૦૬.૬૪ મેગાવોટ, લાર્જ હાયડ્રો પાવરથી ૧૯૯૦ મેગાવોટ સહિત કુલ ૩૧,૪૮૨.૭૯ મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થાય છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.