(જી.એન.એસ) તા. 23
દીવ,
દીવના પ્રશાસન દ્વારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી દીધી છે. ભારતીય પર્યટક અને વિદેશી પર્યટકને કિલ્લો જોવો હશે તો ચાર્જ ચૂકવવો પડશે.
દિવન કિલ્લામાં પ્રવેશ કરી નિહાળવા માટે ભારતીય પર્યટક કરતા વિદેશી પર્યટકની બમણી ટિકિટ લેવામાં આવશે. દીવ એક પર્યટન સ્થળ છે, જ્યા અનેક ફરવાલાયક સ્થળ આવેલા છે, જેમાં દીવ ખાતે પૌરાણિક પર્યટન સ્થળ કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં ફરવા તથા પોર્ટુગલ શાસન દરમિયાનની અનેક સ્મૃતિઓ લોકો અત્યાર સુધી નિ:શુલ્ક નિહાળી રહ્યા હતા. ત્યારે હાલ હવે સોમવારથી દીવ પર્યટન વિભાગ દ્વારા કિલ્લો ફરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે. દીવ કિલ્લો ફરવા હવે 15 વર્ષથી નીચેના બાળકોને 75 રૂપિયા, 15 વર્ષથી ઉપરના તમામ લોકોએ 100 રૂપિયા તથા વિદેશી પર્યટક 200 રૂપિયા ચૂકવીને કિલ્લો ફરવા જઈ શકશે.
મહત્વનું છે કે, દીવ કિલ્લો ભારતના પશ્ચિમ કિનારે દીવમાં આવેલો એક પોર્ટુગીઝ કિલ્લો છે. 16મી સદી દરમિયાન દીવ ટાપુની પૂર્વીય ટોચ પર પોર્ટુગીઝ ભારતની રક્ષણાત્મક કિલ્લેબંધીના ભાગરૂપે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. દીવ નગરની સરહદ ધરાવતો આ કિલ્લો ઈ.સ. 1535માં ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝોની સંધિ પછી બનાવવામાં આવ્યો હતો, જ્યારે મુઘલ બાદશાહ હુમાયુએ આ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું. 1546 સુધી તેને મજબૂત બનાવવામાં આવ્યો હતો. ઇ.સ. 1537થી પોર્ટુગીઝોએ ડિસેમ્બર 1961માં ભારત સરકારે દીવ પાછું મેળવ્યું ત્યાં સુધી આ પ્રદેશ પર શાસન કર્યું હતું. આજે તે દીવનું એક સીમાચિહ્ન છે અને વિશ્વમાં પોર્ટુગીઝ મૂળની સાત અજાયબીઓમાંનો એક છે.