આ કન્ઝ્યુમર ક્લબો દ્વારા ૯૧૨ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો યોજાયા; ૪.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકો જોડાયા
(જી.એન.એસ) તા. 21
ગાંધીનગર,
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોમાં ગ્રાહક સુરક્ષા જેવી મહત્વપૂર્ણ બાબતે જાગરૂકતા કેળવવા રાજ્ય સરકારની સહાયથી વિવિધ શાળા-કોલેજોમાં કન્ઝ્યુમર ક્લબની સ્થાપના કરવામાં આવે છે.
વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી કન્ઝ્યુમર ક્લબ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉમેર્યું હતું કે, શાળા-કોલેજના માધ્યમથી ગ્રાહક સુરક્ષા બાબતે વધુમાં વધુ પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત એક વર્ષમાં અમદાવાદ શહેરમાં રૂ. ૫.૯૦ લાખના ખર્ચે ૧૧૮ તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૫.૫૫ લાખના ખર્ચે ૧૧૧ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત થયા છે. કામગીરીની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદના કન્ઝ્યુમર ક્લબો દ્વારા ગત તા. ૧૫ માર્ચના રોજ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ તેમજ ગત તા. ૨૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે કુલ મળીને ૯૧૨ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુલ ૪.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા.