Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર ભરૂચ નજીક આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરી



ભાડભૂત પ્રોજેક્ટના સ્થળની મુલાકાત દ્વારા રાજ્યના વિવિધ વિકાસલક્ષી મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ મુલાકાત અને બેઠકોના આયોજનનો ઉપક્રમ આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઈટનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટસની સાઇટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કરેલો છે.

આ ઉપક્રમને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી વિધાનસભાના અંદાજપત્ર સત્રના સમાપન પછીના પ્રથમ દિવસે ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરવા માટે ભરૂચ પહોંચ્યા હતા.

આ ભાડભૂત બેરેજ યોજના ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરિયામાં વહી જતા લોકમાતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે હાથ ધરાઈ રહી છે.

એટલું જ નહીં, ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં પૂરથી વારંવાર થતાં ધોવાણ અને નુકસાનને અટકાવવા સાથે આ વિસ્તારમાં પીવાના અને ઔદ્યોગિક વપરાશ માટે મીઠાના પાણીનો સંગ્રહ કરવા તેમજ સમુદ્રની ભરતીનું પાણી દરિયાના મુખથી ૭૦ કિલોમીટર ઉપરવાસમાં શુકલતીર્થ સુધી પ્રવેશતું અટકાવીને ખારાશની સમસ્યા દૂર કરવાનો ઉદ્દેશ્ય આ યોજનામાં રાખવામાં આવેલો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્માણાધીન યોજનાના સ્થળ ભાડભૂતની મુલાકાત લઈને થઈ રહેલી પ્રગતિ હેઠળની કામગીરી નિહાળ્યા પછી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેરો અને અધિકારીઓ તેમજ ઈજારદાર વગેરે સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં ૫૩ ટકા જેટલી ભૌતિક પ્રગતિ થયેલી છે. નર્મદા નદીનો પૂર પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે બેરેજનું બાંધકામ તબક્કાવાર હાથ ધરવાના આયોજન અંતર્ગત પ્રથમ તબક્કાની ૯૯ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

બેરેજના બાકીના કામો માટે બે તબક્કામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. તદનુસાર, પહેલા તબક્કાની કામગીરી જુલાઈ-૨૦૨૬માં તથા બીજા તબક્કાની કામગીરીમાં પૂર સંરક્ષણ પાળા સહિતની સંપૂર્ણ કામગીરી જુન-૨૦૨૭માં પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બેરેજની આ કામગીરી સંપૂર્ણ પૂરી થતાં જુલાઈ-૨૦૨૭થી જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે તેના પરિણામે વાર્ષિક અંદાજે રૂ. ૯૦૦ કરોડની આવક ઉદ્યોગો અને પીવાના પાણીના દરોની વસુલાતથી મળતી થશે.

બાકીની કામગીરીમાં પ્રથમ તબક્કામાં કોફરડેમનું બાંધકામ, ગર્ડર કાસ્ટિંગ, સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક કાસ્ટિંગ અને હાઈડ્રો મિકેનિકલ એટલે કે ગેઈટ અને ગેઈટ ઉચકવાનું મિકેનિઝમ વગેરેની કામગીરી પ્રગતિમાં છે.

એટલું જ નહીં, ફીશપાસ અને ફિશરમેન નેવિગેશન ચેનલની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થઈ છે તેમજ એપ્રોચ રોડની કામગીરી મે-૨૦૨૫માં અને ઉપલબ્ધ જમીનમાં પૂર સંરક્ષણ પાળાની જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે ડિસેમ્બર-૨૦૨૫માં પૂર્ણ કરવાના આયોજનની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીને સમીક્ષા દરમિયાન આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તથા નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તે અંગેનું માર્ગદર્શન અને જરૂરી સૂચનો આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી સાથે આ સમીક્ષા બેઠક અને પ્રોજેક્ટ નિર્માણ સ્થળની નિરીક્ષણ મુલાકાતમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, તેમજ કલ્પસર વિભાગના સચિવ અને વરિષ્ઠ ઇજનેરો તથા સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ગાંધીનગર ખાતે આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”

Gujarat Desk

ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક

Gujarat Desk

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઈક સવાર ગંભીર સ્વરૂપે ઘાયલ થયો

Gujarat Desk

પાટણ જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જીલ્લા સંકલન ની બેઠક

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Karnavati 24 News
Translate »