મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બોરસદ વિધાનસભા અને આણંદ જિલ્લાના કુલ ₹230 કરોડથી વધુના વિવિધ જનહિતકારી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત “જનસેવકનું જનકાર્ય” કોફી ટેબલ બુકનું વિમોચન તેમજ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં અભૂતપૂર્વ બદલાવ આવ્યો છે અને આજે છેવાડાના ગામડાઓ સુધી રોડ કનેક્ટિવિટી, વીજળી, પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સેવાઓ પહોંચી છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે રજૂ થયેલ કેન્દ્રીય બજેટને સર્વાંગીણ વિકાસને વેગ આપતું સંગીન બજેટ ગણાવવાની સાથોસાથ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ થયેલ કામગીરીની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતું. તેમણે પાણીની બચત, પર્યાવરણ અને સ્વચ્છતાની જાળવણી તથા પ્રાકૃતિક કૃષિ જેવી બાબતો પ્રત્યે જાગરૂકતા કેળવીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.