મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામ ખાતે સુણાવ કેળવણી મંડળ દ્વારા આયોજિત સમારોહમાં ધરતીપુત્ર શ્રી નવનીતભાઈ પટેલ માર્ગ તેમજ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સુણાવ ગામના 200 વર્ષના ઈતિહાસને વર્ણવતા પુસ્તકનું વિમોચન તેમજ ગામ તેમજ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનાર શ્રેષ્ઠિઓને ‘સુણાવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ઉજાગર કરનારો ગણાવવાની સાથોસાથ માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને સુણાવ ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું હોવાનું જણાવી સુણાવ ગામ અને નાગરિકોને પ્રેરણાદાયી કામગીરી અને વિશિષ્ટ પહેલો બદલ બિરદાવ્યા હતા.