શું ગવર્નર ‘ડેડ ઈન્વેસ્ટમેન્ટ’ને પ્રોત્સાહન આપી શકે?
કોઈ સરકારી અધિકારી કોઈ કંપનીની જાહેરાત કરી શકતો નથી. કરે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવાય.
વડાપ્રધાન કે ગવર્નર પણ કોઈ કંપનીની જાહેરાત ન કરી શકે કે કંપનીના શોરુમના ઉદ્ઘાટન ન કરી શકે. આ એક નૈતિક જવાબદારી છે.
રિલાયન્સ જિયોએ, પોતાની જાહેરાત અખબારોમાં આપી હતી, તેમાં વડાપ્રધાન મોદીનો ફોટો મૂકેલ હતો. તે અંગે દેશભરમાં ઊહાપોહ થયો હતો. The Emblems and Names (Prevention of Improper Use) Act 1950 મુજબ વ્યાવસાયિક અને વ્યાપારી હેતુઓ માટે પ્રતીકો અને નામોના અયોગ્ય ઉપયોગને પ્રતિબંધિત કરે છે.
18 જાન્યુઆરી 2025ના રોજ દિવ્યભાસ્કર અખબારમાં ફૂલ પેજની પ્રથમ પાને જાહેરાત છે, જેમાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતનો ફોટો છે. ‘KISANA’ બ્રાન્ડની DIAMOND & GOLD JEWELLERYના શોરુમના ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેમ જણેલ છે.
થોડાં પ્રશ્નો : [1] શું ગવર્નર કોઈ કંપનીના હિરા-સોનાના શોરુમની જાહેરાત કરી શકે? કોઈ કંપની ગવર્નરના ફોટાનો પોતાના વેપારી હેત માટે ઉપયોગ કરી શકે? [2] શું ગવર્નરને આવું કરતા The Emblems and Names (Prevention of Improper Use) Act 1950 રોકે છે કે નહીં? [3] શું ગવર્નર કોઈ નાની દુકાનનું ઉદ્ઘાટનમાં પણ જશે? શું ગવર્નરને અબજોપતિઓના શોરુમનું ખેંચાણ હશે? [4] એકતરફ ગવર્નર ગાય આધારિત ખેતીને/ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે. તો બીજી બાજુ ખાનગી કંપનીઓની જાહેરાત કરે છે. એનો અર્થ એ છે કે વૈચારિક સ્તરે ગવર્નર સ્પષ્ટ નથી. શું વિચાર શુદ્ધિ જરુરી નથી? કાયાં ગઈ સરળતા અને સાદગી? શું આ માટે ભગતસિંહ ફાંસીએ ચડ્યા હતા? શું આ માટે આઝાદીના લડવૈયાઓ જેલમાં રહ્યા હતા? જેલની યાતનાઓ સહન કરી હતી? [5] શું ગવર્નરને ગુજરાતના બેરોજગારો દેખાતા નહીં હોય? મોંઘવારી દેખાતી નહીં હોય? સામૂહિક આત્મહત્યા કરતો મધ્યમવર્ગ દેખાતો નહીં હોય? સ્કૂલ ફી અને હોસ્પિટલના ખર્ચની ચિંતા કરતા લાખો લોકો દેખાતા નહીં હોય? [6] ગવર્નર હિરા-સોનાના શોરુમના ઉદ્ઘાટનમાં હાજર રહીને નાગરિકોને શું સંદેશ આપવા ઈચ્છતા હશે? શું નાગરિકોને હિરા-સોનાના દાગીના ખરીદવા પ્રોત્સાહન આપવું એટલે ડેડ ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા બરાબર નથી? એક તરફ બચત યોજનાઓ દ્વારા સરકાર નાગરિકોના નાણાં દેશના વિકાસમાં ઉપયોગ કરે છે તો બીજી બાજુ ગવર્નર બચત યોજના વિરુદ્ધ કામ કરતા નથી?