શું નાટકિય સસ્પેન્શન હોય છે?
અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢનાર ત્રણ પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ 12 જાન્યુઆરી 2025ના રોજ સસ્પેન્ડ-ફરજમોકૂફ કરેલ છે.
કેટલાંક પત્રકારો ફરજમોકૂફી અને બરતરફી વચ્ચે ગોટાળો કરે છે. બન્ને અલગ અલગ છે. સસ્પેન્શન એટલે શું? ડિસમિસલ એટલે શું?
સસ્પેન્શન-ફરજમોકૂફી એટલે કામચલાઉ ફરજ બજાવવામાંથી દૂર કરવા. ડિસમિસલ એટલે કર્મચારીને કાયમ માટે નોકરીમાંથી કાઢી મૂકવા, બરતરફ કરવા.
કર્મચારી/ અધિકારીને શા માટે ફરજમોકૂફ કરવામાં આવે છે? ખાતાકીય તપાસ દરમિયાન પુરાવા સાથે ચેડાં ન કરે તે માટે.
સસ્પેન્શન-ફરજમોકૂફી ક્યા ક્યા સંજોગોમાં થાય? સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ મુજબ બે કિસ્સામાં ફરજમોકૂફી થાય છે : (1) નૈતિક અધઃપતનનું કૃત્ય કરેલ હોય. (2) ભ્રષ્ટાચાર કર્યો હોય.
પોલીસમાં હાલતાં ચાલતા નાના કર્મચારીઓને ફરજમોકૂફ કેમ કરવામાં આવે છે? પાડાના વાંકે પખાલીને ડામ આપવા માટે ! સમરથ કો નહીં દોષ ગુંસાઈ !
સસ્પેન્શન ક્યા નિયમ મુજબ થાય છે? ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો-1971 દરેક કર્મચારી/ અધિકારીને લાગુ પડે. નિયમ-3 (1) મુજબ દરેક કર્મચારી/ અધિકારીએ (1) સંપૂર્ણપણે પ્રમાણિક રહેવાનું છે.(2) ફરજપ્રત્યે નિષ્ઠા કેળવવાની છે. (3) સરકારી કર્મચારીને ન છાજે તેવું કશું કરવાનું નથી.
પોલીસ ઈન્સ્પેકટર અને તેનાથી નીચેના દરજ્જાના પોલીસને મુંબઈ પોલીસ (શિસ્ત અને અપીલ/ નિયમો-1956હેઠળ સજા થાય છે. બાકીના ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીઓને ગુજરાત રાજ્ય (શિસ્ત અને અપીલ) નિયમો-1971 હેઠળ સજા થાય છે. IPS/IAS અધિકારીઓને The All India Services (Discipline and Appeal) Rules, 1969 હેઠળ સજા થાય છે.
સસ્પેન્શન થાય એટલે ખાતાકીય તપાસ થાય. ખાતાકીય તપાસ માટે ચાર્જશીટ અપાય. બચાવની પૂરતી તક અપાય. પુરાવા રજૂ કરવાની તક મળે. આ તપાસ પ્રિસાઈડિંગ ઓફિસર સમક્ષ ચાલે. પ્રિસાઈડિંગ ઓફિસર કર્મચારીને દોષિત ઠરાવે તો પનિશિંગ-શિસ્ત ઓથોરિટી કર્મચારીને સજા કરે છે. આ સજા ઠપકો આપવાથી લઈ નોકરીમાંથી ડિસમિસ-બરતરફ કરવા સુધીની હોય છે.
શું નાટકિય સસ્પેન્શન હોય છે? હા, અમરેલી SPનો વાંક હતો છતાં ત્રણ નાના કર્મચારીઓને ફરજમોકૂફ કર્યા તેને નાટકીય સસ્પેન્શન કહી શકાય. નાટકીય સસ્પેન્શન લોકોની આંખમાં ધૂળ નાખવા/ લોકોને મૂર્ખ બનાવવા/ લોકોનો રોષ ખાળવા માટે હોય છે.
સસ્પેન્શન કેટલો સમય હોય છે? ઓછામાં ઓછા 90 દિવસ અને 2 વરસ સુધી.
સસ્પેન્શન સામે અપીલ થઈ શકે? હા, ઉપરી અધિકારીને અપીલ કરી શકાય.
સસ્પેન્શનમાં પૂરો પગાર મળે? ના, અડધો પગાર મળે. સસ્પેન્શન લંબાય તો 75% પગાર મળે. નિર્દોષ ઠરે તો રોકી રાખેલ બધો પગાર એક સાથે મળે.
સસ્પેન્શનમાં બીજો કોઈ ઘંધો કરી શકાય? બીજી નોકરી કરી શકાય? ના, પરંતુ સામાન્ય રીતે સસ્પેન્શન દરમિયાન પોલીસ દારુનો ધંધો કરે છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મિનિસ્ટર સી. આર. પાટિલ પોલીસખાતામાં નોકરી કરતા હતા ત્યારે દારુની હેરાફેરી માટે સસ્પેન્ડ થયેલ. સસ્પેન્શન પછી ધારાસભ્ય/ સંસદસભ્ય/ મિનિસ્ટર બન્યાના ઉદાહરણ છે.
સસ્પેન્શન પછી સજા થઈ હોય તેવા કેટલાં કિસ્સાઓ હશે? બહુ જૂજ. સરકારના ચાર હાથ હોય તો વાળ પણ વાંકો ન થાય ! ફેઈક એન્કાઉન્ટર કેસમાં જે પોલીસ અધિકારીઓ વર્ષો સુધી જેલમાં રહ્યા તેમને ક્રીમ પોસ્ટિંગ આપી સરકારે સન્માન કર્યું ! ભાજપના ધારાસભ્ય/ સંસદસભ્યએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરેલ કે ‘રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી 75 લાખનો તોડ કર્યો છે, કાર્યવાહી કરો.’ છતાં મુખ્યમંત્રીએ કોઈ પગલાં ન લીધાં; માત્ર મનોજ અગ્રવાલની બદલી કરી પોલીસ તાલીમ સંસ્થામાં મૂક્યા ! કદાચ તોડ કેવી કુશળતાથી કરી શકાય તેની તાલીમ આપવા માટે !rs