(જી.એન.એસ) તા.૬
ગાંધીનગર,
ગાંધીનગર કોર્ટમાં ચેક રિટર્નના કેસની મુદત ભરવા માટે મહારાષ્ટ્રના ઓરંગાબાદથી વકીલ અસીલ અને તેના ભાઈ તેમજ પિતા આવ્યા હતા. આ દરમિયાન અસીલ અને વકીલ વચ્ચે તકરાર થતા આ ચાર શખ્સો દ્વારા વકીલને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદ ખાતે રહેતા અને ડીસ્ટ્રીક કોર્ટમાં વકીલાત કરતા સંકેત પોપટરાવ જાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના અસીલ ગણેશ કુંડલીક ફાળકે,રહે નારાલા ઓરંગાબાદ મહારાષ્ટ્રને ગાંધીનગર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલતો હોવાથી ગત ગુરુવારે તેમના સહાયક વકીલ તેમજ ગણેશ ફાળકે તેના પિતા કુંડલીક ફાળકે અને ભાઈ મનોજ ગાંધીનગર આવવા માટે નીકળ્યા હતા અને જ્યાં શુક્રવારે ગાંધીનગર કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અરજદારને ૫૦ હજાર રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેથી ગણેશએ વકીલને કહ્યું હતું કે મેં તમારા કહેવાથી ફરિયાદીને ઓનલાઈન રૃપિયા આપ્યા છે. જે પૈસા આપણે કોર્ટમાં આપવાના હતા.જેથી વકીલ અને ગણેશ વચ્ચે તકરાર થઈ હતી અને ત્યારબાદ આ તમામ વ્યક્તિઓ હોટલમાં ગયા હતા. આ દરમિયાન રાત્રે વકીલ સંકેત જાદવ અને તેનો સાથી વકીલ ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ જવા માટે નીકળી રહ્યા હતા તે દરમિયાન ગણેશ તેનો ભાઈ મનોજ, પિતા કુંડલી ફાળકે તેમજ પરમેશ્વર થોરત નામનો વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને તારે અમારો કેસ લડવો જ પડશે તેમ કહીને ગળદા પાટુનો માર માર્યો હતો. જેથી વકીલ સંકેત જાદવ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી અને આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.