યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે વધુ એક વિદ્યાર્થી યુક્રેન ફસાઈ જતાં પરિવારજનો ચિંતિત થયા છે.ભિલોડાના દહેગામડાનો કુલદીપ પટેલ અને તેની સાથે એમબીબીએસ કરતો મિત્ર અલ્પેશ પટેલ બંને છેલ્લા 18 કલાકથી યુક્રેનની બોર્ડર પર ફસાયા છે. પરિવારજનોએ જણાવ્યું કે, તેમની પાસે પાણી અને જમવાની કોઈ જ સગવડ ન હોવાથી હાલાકીઓ પડી રહી છે.બોર્ડર પર ફસાયેલા ભારતીયોને રોમાનિયામાં પ્રવેશ કરવા દેવામાં આવે અને બે દિવસ બાદ તેમને રોમાનિયામાંથી પરત ભારત લાવવામાં આવે તેવી સરકાર સમક્ષ પુકાર કરી છે.પિતા દિનેશભાઈ પટેલે વીડિયો સંદેશ માર્ફતે જણાવ્યું કે, કુલદીપ છેલ્લા છ વર્ષથી યુક્રેનમાં એમ.બી.બી.એસ કરે છે પરંતુ યુદ્ધનો માહોલ શરૂ થતા શનિવારે તેમનો પુત્ર કુલદીપ પટેલ અને તેનો મિત્ર અલ્પેશ પટેલ બંને સે ન્યુવસીથી બસ મારફતે રોમાનિયા તરફ જવા નીકળ્યા હતા. જ્યાં રાત્રે 50 કિમી ચાલ્યા બાદ બંને યુક્રેનની બોર્ડર પર પહોંચ્યા હતા. દિનેશભાઇ પટેલે જણાવ્યું કે રવિવારે બપોરે 3:00 માત્ર પાંચ મિનિટ તેમના પુત્ર કુલદીપ સાથે વાત થઇ હતી તેમાં તેણે જણાવ્યું કે અહીંયા જંગલ વિસ્તારમાં આર્મી રોમાનિયામાં પ્રવેશ કરવા દેતી નથી અને મોબાઈલ ચાર્જ કરવાનું તો ઠીક પરંતુ પીવાનું પાણી અને જમવાના પણ ફાંફા ઉભા થયા છે. રોમાનિયાની બોર્ડર પર પહોંચ્યા બાદ યુક્રેનની આર્મી રોમાનિયામાં પ્રવેશ ઉપર રોક લગાવી દેતાં 1200 થી વધુ ભારતીયો ફસાયા છે.મહત્વનું છે કે, આ પહેલા ભિલોડાનો એક જ્યારે બાયડ તાલુકાનો એક મળી કુલ બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા ત્યારે વધુ એક વિદ્યાર્થી યુક્રેનમાં ફસાઈ જતાં પરિવારજનોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.
