જો આપણે વાસ્તવિકતા નહીં સ્વીકારીએ તો એન્ટિક બની જઈશું !બળદગાડું હાંકવું/ તેને દોડાવવું એ પણ એક કળા છે. બળદને ગાડાએ જોતરવા, તેને ડચકારા મારીને ચલાવવા, બળદને પાણી પીવડાવવું, ઘાસચારો નાખવો, તેના આવ પરની ઈતરડીઓ તોડીને દૂર કરવી, તેને ધમારવા વગેરે આવડત જોઈએ. આ બધા કામ કર્યા છે. બળદ ઘરડો થાય તો ખિલે જ મૃત્યુ પામે, કતલખાનામાં નહીં, દાદા અને પિતાની આ નિસબત હતી. ગાડાએ ગ્રામ્ય સંસ્કૃતિમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. પરંતુ હવે ખેડૂત માટે ટ્રેક્ટર એટલે ગાડું ! ખેતીકામમાં બળદની જગ્યાએ ટ્રેક્ટરે સ્થાન લીધું ત્યારથી ગામડામાંથી ગાડું અદ્રશ્ય થઈ ગયું. ટેકનોલોજીએ બળદગાડાને શહેરના ફાર્મ-હાઉસમાં એન્ટિક વસ્તુ તરીકે ગોઠવી દીધું છે ! ગાડાને સૌ પ્રથમ ધક્કો માર્યો રેંકડાએ. ગાડાએ પ્રથમ પોતાના પગ પ્રથમ ગુમાવ્યા. લાકડાના પૈડાં અને ફરતી લોખંડની ગોળ પ્લેટવાળા ગાડાની જગ્યાએ હવા ભરેલા ટાયર આવ્યા. લાકડાના પૈડાંની જગ્યાએ ટાયર આવતા ગાડાનું નામ બદલીને ‘રેંકડો’ થઈ ગયું !ગાડામાં પાછળના ભાગે વધુ વજન હોય તો ઉલાળ થાય અને ગાડામાં આગળના ભાગે વધુ વજન હોય તો ધરાળ થાય, આ ‘બેલેન્સ’ની સમજ બાળપણમાં મળી હતી.નાનપણમાં લાકડાના પૈડાં ફરતે લોખંડનો પાટો ફિટ કરાવવાની વિધિ જોઈ હતી. આખા પાટાને છાણાં વચ્ચે મૂકીને ગરમ કરતા, જેથી લોખંડ ફૂલે અને પૈડાં ફરતે પાટો ફિટ કરવામાં આવે; પછી પાટા પર પાણી રેડી તેને ઠંડા કરવામાં આવે એટલે પાટો ફિટ થઈ જાય ! ‘લોખંડને ગરમ કરતા ફૂલે’ એ જ્ઞાન ગાડાના પૈડાંએ આપ્યું હતું !બાપ-દાદાઓની જાન ગાડામાં ગઈ હતી. નાનપણમાં ગાડામાં બેસી જાનમાં ગયાનું યાદ છે. બળદના શરીર પર જુલ નાખે, શીંગડાંમાં ભરતકામ વાળી ‘ટોપી’ પહેરાવે ! વરરાજાની જેમ બળદને પણ શણગારે ! સુરત શહેરમાં શણગારેલા બળદવાળા ગાડા-રેંકડા જોવા મળે છે. ગાય આધારિત ખેતીનો ગોકીરો કરનારાઓ પણ પોતાની ખેતી ટ્રેક્ટરથી કરે છે. પોતે વાસ્તવિકતા સ્વીકારે છે પણ બીજા ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. જો આપણે વાસ્તવિકતા નહીં સ્વીકારીએ તો એન્ટિક બની જઈશું !rs