માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે સમગ્ર દેશમાં 10,000 જેટલી નવરચિત વિવિધ કાર્યકારી PACS (પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી), દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી વર્ચ્યુયલ માધ્યમથી સહભાગી થયા હતા તેમજ રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓ અને મંડળીઓના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે રાજ્યના મંત્રીશ્રી, સહકારી આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નોંધાયેલ 513 MPACs (Multi Purpose Agricultural Credit Societies) પૈકીની મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા તથા લાભાર્થીઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે સહકારી ક્ષેત્ર વધુ વ્યાપક બન્યું છે. તેમણે છેવાડા ગામડાઓ અને નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટેના પગલાંઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રે આપવામાં આવતા અનેકવિધ પ્રોત્સાહનો અને પહેલો અંગે સૌને માર્ગદર્શિત કર્યા હતા તેમજ રાજ્યના અર્થતંત્રને 3.5 ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં સહકાર ક્ષેત્ર મહત્વનો ભાગ ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.