



પાકિસ્તાનમાં રોજે રોજ લઘુમતીઓ પર અત્યાચારના મામલા સામે આવે છે. હિન્દુ પરિવારો પર તો ક્યારેક શીખ પરિવારો પર હુમલાના અહેવાલો આવતા રહે છે. સ્થિતિ એવી છે કે હવે હિન્દુ લઘુમતીઓ તેમના તહેવારની ઉજવણી માટે હિંસા અને ધમકીઓનો સામનો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં, એક કટ્ટરપંથી મૌલાના હિન્દુઓને હોળીની ઉજવણી કરવા માટે ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે.
તે મૌલાનાનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે તે કેવી રીતે હિંદુઓને ધમકી આપી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ દિલ્હી કે મુંબઈ નથી, પાકિસ્તાન છે. અહીં હિંદુઓ હોળી ન રમી શકે. અહીં માત્ર મોહમ્મદનો દિવસ ઉજવવામાં આવશે.’ આવા નિવેદનો એ વાતનો મજબૂત પુરાવો છે કે પાડોશી દેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ કેવી સ્થિતિમાં છે.
એક વીડિયોમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામના જનરલ સેક્રેટરી રાશિદ સૂમરો કહે છે, ‘હિંદુઓ સિંધમાં હોળીની ઉજવણી ન કરી શકે. આ મુંબઈ કે દિલ્હી નથી. અહીં માત્ર મોહમ્મદનો દિવસ ઉજવવામાં આવશે. આ સૂફી સંતોની ભૂમિ છે. અમે હિંદુઓને ઉજવણી કરવાની પરવાનગી ન આપી શકીએ.’ મૌલાનાનો વીડિયો શેર કરતા પાકિસ્તાની પત્રકારે લખ્યું, ‘રશીદ સૂમરો કહે છે- યુનિવર્સિટી (સિંધ યુનિવર્સિટી)માં હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જાણે કે તે દિલ્હી હોય. સિંધ માત્ર શાહ લતીફ અને અન્ય સૂફીઓનું છે.’
‘સિંધી હિંદુઓ પણ આ માટીના પુત્ર’
પત્રકારે લખ્યું, ‘આ ખૂબ જ ચોંકાવનારું નિવેદન છે. સિંધી હિંદુઓ આ માટીના પુત્રો છે અને સિંધુ સંસ્કૃતિ આપણી આત્મા છે.’ તેણે લખ્યું, ‘આ શાંતિ અને પ્રેમની ભૂમિ છે. હોળી આપણી સંસ્કૃતિ છે અને હિંદુઓને તેની ઉજવણી કરવાનો અધિકાર છે. રાશિદ સૂમરોનું નિવેદન સિંધી હિંદુઓ વિરુદ્ધ નફરત ભડકાવી શકે છે. તેમણે પોતાના નિવેદન પર પસ્તાવો કરવો જોઈએ અને સિંધના તમામ નેતાઓએ તેની નિંદા કરવી જોઈએ.’
નોંધનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનમાં પંજાબ અને કરાચી યુનિવર્સિટીમાં હોળી રમવા માટે હિન્દુ વિદ્યાર્થીઓ સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો. આ મામલાની તપાસ કરવા અને દોષિતોને સજા આપવાને બદલે કરાચી અને પંજાબ યુનિવર્સિટીએ હિંસક ઘટનાઓને નકારી કાઢી હતી.