વડોદરા જિલ્લાના સમીયાલા ગામ ખાતે આવેલી એક મસ્જિદ પાસેથી ગતરોજ લગ્નનો એક વરઘોડો નીકળતો હતો ત્યારે ફટાકડા ફોડવાની બાબતમાં બે જૂથ્થ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો, જેમાં 10 લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમીયાલા ગામમાં તાલુકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માહિતી મુજબ, ઉશ્કેરાયેલા ટોળા દ્વારા 3 વાહનોને આગચંપી કરાઈ હતી અને 11 વાહનોની તોડફોડ થઈ હતી. પોલીસ દ્વારા 15 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે.
મીડિયા અહેવાલ મુજબ, સમીયાલા ગામ ખાતે લગ્ન પ્રસંગ હોવાથી મોડી રાતે ડી.જે. અને ભારે આતશબાજી સાથે વરઘોડો નીકળતો હતો. આ વરઘોડામાં લગભગ 500 જેટલા લોકો જોડાયા હતા. વરઘોડો જ્યારે ગામમાં આવેલી એક મસ્જિદ પાસે પહોંચ્યો તો વરઘોડામાં જોડાયેલા કેટલાક યુવાનોએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું. આથી લઘુમતી કોમના 25 જેટલા લોકોએ યુવાનોને અહીં ફટાકડા નહીં ફોડવાનું કહેતા મામલો બિચક્યો હતો. અને બંને જૂથ વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી.
બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો
ત્યાર બાદ બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા વચ્ચે ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તામાં પડેલી ઇકો કાર, ઓટો રિક્ષા સહિત 3 વાહનોને આગચંપી કરી રહી હતી અને ટુ-વ્હીલર, થ્રી વ્હીલર સહિત કુલ 11 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારાની ઘટનામાં 10 જેટલા લોકો ઘવાયા હતા, જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સમીયાલા ગામે પહોંચ્યો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ મામલે પોલીસે અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરી છે.