મધ્યપ્રદેશથી બે યુવાન કારમાં બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ લઈને વડોદરા આવ્યા હતા, જેમની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને યુવાન વડોદરામાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે આવ્યા હતા. જોકે આ મામલે પોલીસ બંને યુવાનોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
માહિતી મુજબ, વડોદરા જિલ્લાના જરોદ પોલીસ મથકની હદમાં મોડી રાતે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કાર જરોદ તરફથી વડોદરા તરફ આવી રહી છે, જેમાં બે યુવાનો પિસ્તોલ અને કારતૂસ સાથે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે વડોદરા-હાલોલ રોડ પર આવેલા આમલીયારા ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી પ્રમાણે એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તપાસ કરી હતી. આ કારમાં બે વ્યક્તિ બેઠા હતા.
પોલીસે 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ટીમે કારની ઝીણવટભરી તપાસ કરી તો તેમાંથી બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ત્યાર બાદ ટીમે બંને યુવકની ધરપકડ કરી હતી. પૂછપરછમાં યુવકોની ઓળખ 28 વર્ષીય અંતરસિંહ રાઠોર (રહેં, બોરખેડા, મધ્યપ્રદેશ) અને 23 વર્ષીય આસિફખાન પઠાણ (રહેં, ઉજ્જૈન, મધ્યપ્રદેશ ) તરીકે થઈ હતી. બંને પાસેથી પોલીસે રૂ.50 હજારની કિંમતની દેશી બનાવટની બે પિસ્તોલ, રૂ. 400ની કિંમતના 4 જીવતા કારતૂસ, કાર, બે મોબાઇલ ફોન તેમ જ 3 હજાર રોકડા મળી કુલ રૂ. 3,63,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.