રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ, હોળીના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, માવઠું અને કરા પડ્યા હતા. આથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુ સાથે રોગચાળામાં પણ વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કારણે છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી રહી છે. ઓપીડીમાં સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યા છે.
માહિતી મુજબ, બેવડી ઋતુને ધ્યાને રાખી ડોક્ટર્સ દ્વારા પણ લોકોને સ્વાસ્થ્ય અંગે વધુ કાળજી રાખવા સૂચન કરાયું છે. સાથે જ એન્ટિબાયોટિક્સ દવાનો ઉપયોગ ટાળવા અને ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેવા પણ સલાહ આપવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, સોમથી શુક્રમાં સરેરાશ 3800ની ઓપીડી છે. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના વધુ કેસ જોવા મળી રહ્યા છે, જેમાં કફ, કોલ્ડ, ફીવર, ખાંસી સહિતની બીમારી વધુ જોવા મળી રહી છે. આ સાથે કોરોના, h1n1ના લક્ષણો પણ દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વાયરલ ઇન્ફેક્શન થાય તો તકેદારી રાખવી જરૂરી છે, જેથી બીજાને ચેપ ન લાગે.
ગુજરાતમાં અત્યારે કોરોનાના 112 કેસ એક્ટિવ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, છેલ્લા 20થી 25 દિવસમાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં અત્યારે કોરોનાના 112 કેસ એક્ટિવ છે, જેમાં અમદાવાદમાં જ સૌથી વધુ 71 કેસ છે. ત્યાર બાદ રાજકોટમાં 13, વડોદરામાં 9, સુરતમાં 6, અમરેલી-ભાવનગર-સાબરકાંઠા-ગાંધીનગરમાં 2-2-2-2, બોટાદ-મહેસાણામાં 1-1, પોરબંદર અને જૂનાગઢમાં 1-1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે.