



અમદાવાદના વટવા જી.આઈ.ડી.સીમાં ધુળેટીના દિવસે એક ચકચારી ઘટના બની હતી. અહીં, મજાક-મસ્તીમાં બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં એક મિત્રે બીજાને મિત્રને ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાના ફટકા મારી માતને ઘાટ ઉતાર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વટવા જી.આઈ.ડી.સી રહેતા મૂળ ઓરિસ્સાના સત્યા નાયકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે મુજબ, બુધવારે મિત્રો સાથે દીપક નાયક અને કાનુ નાયક ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. દરમિયાન મજાક મસ્તીમાં બંને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જો કે, તે સમયે અન્ય મિત્રોએ બંનેને સમજાવી મામલો ટાળે પાડ્યો હતો. પરંતુ, સમાધાન કરાવ્યા બાદ પણ સાંજે કાનુ નાયક આવ્યો હતો અને દીપકને કહ્યું હતું કે, બપોરે મારી સાથે ઝઘડો કેમ કર્યો? ત્યાર બાદ ઉશ્કેરાઈને કાનુ નાયક ગાળો બોલવા લાગ્યો હતો અને પછી મારામારી કરી હતી.
માથાના પાછળના ભાગે અને મોઢા પર ઉપરા છાપરી ફટકા માર્યા
દરમિયાન કાનુ નાયકે નજીકમાં રહેલ ભઠ્ઠીમાં સળગાવવાના લાકડામાંથી એક લાકડાનો ટુકડો લઈ દીપકના માથાના પાછળના ભાગે અને મોઢા પર ઉપરા છાપરી ફટકા માર્યા હતા, જેથી દીપક લોહી લુહાણ થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, ફરજ પરના ડોક્ટરે તેણે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.