(જી.એન.એસ) તા. 22
વાવ/થરાદ,
અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક મોટો પુરાવો સામે આવ્યો છે. જેમાં કાંકરેજના ઉંબરી પાસે બનાસ નદી ઉપરનો પુલ તકલાદી નિકળ્યો હતો. ત્યારે પુલ નબળો હોવાથી અહીં ટ્રેન 10 કિલોમીટરની સ્પીડે હંકારવી પડે છે. અને મળતી માહિતી મુજબ રેલવેને નબળા બ્રિજને કારણે 100 કરોડનું નુકસાન સર્જાયું છે. આ ઘટનામાં નદીમાં પુર આવતા નબળો બ્રિજ હોવાની પોલ ખુલી ગઈ હતી. ત્યારે પુલ નબળો હોવાના કારણે ટ્રેન 10 કિલોમીટરની સ્પીડે હંકારવી પડે છે તેમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું. પુલની આ ઘટનાને લઇ વધુ એક વખત અજય ઈન્ફ્રાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો છે.
આ બાબતે સૂત્રોના જણાવ્યા આધારે કાંકરેજના ઉંબરી પાસે બનાસ નદી ઉપર 10 વર્ષમાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા હતા. જેમાં પિલ્લરમાંથી કોંક્રીટ પણ નિકળવા લાગ્યું હતું. જર્જરીત બ્રિજ ગમે ત્યારે ધસી પડે એવી શક્યતા દેખાઇ રહી છે. આ ઘટનાને લઇ રેલવેએ વિજિલન્સ તપાસ બાદ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ 2013 માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આટલા વર્ષોમાંજ બ્રિજની સ્થિતી આવી થતા અને બ્રિજની નબળી કામગીરીના કારણે મોટી દૂર્ઘટનાનું સંકટ સર્જાયું છે. જે તમામ બાબતે રેલ્વે વિજિલન્સ તપાસ બાદ રેલવે વિભાગે અજય ઇન્ફ્રા મહેસાણા સામે ફરિયાદ નોંધાવી છે.