પોરબંદરમાં ફીશ એક્ષ્પોર્ટરનો વ્યવસાય કરતા એક યુવાનની કારને એક બોલેરો વાહનના ચાલકે ઠોકર મારી હતી. એટલું જ નહિ, એલ.સી.બી. કચેરીની નજીક જ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે પોરબંદરના એરપોર્ટની સામે આવેલા નંદઆનંદ એપાર્ટમેન્ટમાં રહેતા દેવ હરીરામભાઈ ચમ નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ બોખીરા વિસ્તારમાં કાન વિક્ચ્યુલ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપનીમાં મચ્છી એક્ષ્પોર્ટ કરવાનો બિઝનેસ કરે છે. તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ તેઓ બપોરના સમયે પોતાની નિશાન કંપનીની મેગ્નાઈટ કાર નં. જીજે ૨૫ એ એ ૯૦૬૦ લઈને વાઘેશ્વરી પ્લોટમાં પોતાના મમ્મી-પપ્પાના ઘરે જઈ રહ્યો હતો. એ દરમિયાન સફેદ કલરની બોલેરો વાહન નં. જી.જે. ૧૦ ડી એન ૯૯૯૧ ના ચાલક મેમણવાડામાં રહેતા ચેતન ગગુભાઈ પરમાર એ પોતાની કારની સ્પીડ વધારી, દેવની કાર સાથે પાછળના ભાગે અથડાવી હતી. પોરબંદરના પેરેડાઇઝ ફુવારા પાસે જ એલ.સી.બી. કચેરીની બહારના વળાંક પર આ બનાવ બનતા દેવ ચમે પોતાની કાર સાઈડમાં રાખી, ત્યારે ચેતન પોતાનું વાહન તેની બાજુમાં લઈ આવેલ અને હવે પછી ધ્યાન રાખજે, તું ક્યાંય મારા ધ્યાનમાં આવીશ તો તને જાનથી મારી નાખીશ એમ કહી ધમકી આપી હતી. અને ત્યારબાદ તે પૂરઝડપે વાહન ચલાવી ત્યાંથી નાસી ગયો હતો. તો આ બોલેરો વાહન અથડાવાને કારણે કારને નુકસાન થયું હતું, જો કે કોઈને ઈજા પહોંચી ન હતી.
પોલીસ ફરિયાદમાં બનાવના કારણ અંગે એવું નોંધાયું છે કે આરોપી ચેતન ગગુભાઈ પરમાર વિરુદ્ધ દેવ ચમે અગાઉ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અરજીનું મનદુખ રાખી આ રીતે ચેતને ધમકી આપી છે. તો કમલાબાગ પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૦૮, ૪ર૭, પ૦૬ (ર) એટલે કે ગેરઈરાદે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
