પોરબંદરના બોખીરા વિસ્તારમાં આજે એક પ્રૌઢ પર પિસ્તોલ વડે ફાયરીંગ થયું હતું, ડુક્કર પકડવાના ધંધાના મનદુ:ખમાં આ ઘટના બની હતી, જેમાં ફાયરીંગ કરનાર શખ્સો કારમાં બેસી નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે, તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા પ્રૌઢને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
કારમાં ધસી આવેલા શખ્સોએ ડુક્કર પકડવાના ઈજારા અંગેના મનદુ:ખને કારણે સંતોકસઘને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો છાતીમાં અને પેટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રૌઢને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસહજી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂર જણાતા તાત્કાલીક તેમને રાજકોટમાં હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.
આ ઘટના અંગેની જાણ વાયુવેગે શહેરમાં ફેલાઈ જતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા હતા. ત્યારે તાત્કાલીક સીટી ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ઠાકરીયા સહિત પોલીસકાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળનું નિરીક્ષણ કરી બનાવ અંગે તપાસ શરૂ કરી હતી, તો હુમલો કરી નાસી ગયેલા શખ્સો પણ પંજાબી હોવાનું અને ડુક્કર પકડવાનો ધંધો કરતા હોવાનું જાણવા મળે છે. તો બે થી ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે, તો ફાયરીંગ કરનાર આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કુતિયાણા પોલીસે કારમાં શકમંદ શખ્સોની અટકાયત કરી, ફાયરીંગની ઘટનામાં આ આરોપીઓ સંડોવાયેલ છે કે નહીં ? તે દિશામાં તપાસ ચાલી રહી હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.
